ગુજરાત

વિકાસની સાચી કસોટી છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ પહોંચે તે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

  • વિકાસની સાચી કસોટી છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ પહોંચે તે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
  • વાંસદા તાલુકાના ઘોડમાળ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિકાસકાર્યોનો ભૂમિપૂજન/ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
  • માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ તથા પંચાયત હસ્તકના રસ્તાઓ, કોઝવે-બ્રિજ અને ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત
  • ‘‘લાયબ્રેરીઓનું નિર્માણ થવાથી આદિવાસી દીકરા-દીકરીઓ માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુવ્યવસ્થિત તૈયારી કરવાનું ઉત્તમ માધ્યમ બનશેઃ’’ નાયબ મુખ્યમંત્રી

ઉનાઈ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ.૧૯૦.૬૨ કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ ૪૯ વિકાસકાર્યોનું રિમોટના માધ્યમથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ તથા પંચાયત) તેમજ રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વિવિધ લોકોપયોગી વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લીલીછમ ધરતી વાંસદા ખાતે આજે લોકોપયોગી વિકાસકાર્યોની શરૂઆત થઈ રહી છે ત્યારે આજનો દિવસ વાંસદા વિસ્તાર માટે મહત્વપૂર્ણ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સીધો પહોંચે તે સરકારની પ્રાથમિકતા રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાંસદા વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ, કોઝવે અને અન્ય પાયાની સુવિધાઓ માટે રૂ.૧૯૦.૬૨ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો માત્ર બાંધકામ પૂરતાં નથી, પરંતુ હજારો પરિવારોની આશાઓ અને આકાંક્ષાઓ સાથે જોડાયેલા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને આ કામોનો સીધો લાભ મળશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાંસદા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.૧,૧૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે રૂ.૧૯૦.૬૨ કરોડનાં વિકાસકાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. વાંસદા વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારના કુલ રૂ.૧,૨૯૦ કરોડ તથા કેન્દ્ર સરકારના રૂ.૬૦૦ કરોડ મળી કુલ રૂ.૧,૮૯૦ કરોડના વિકાસકાર્યોનો થઈ રહ્યા છે. આ વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ સહિતના લોકપ્રતિનિધિઓના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
આદિજાતિ વિસ્તારના યુવાનોને શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની તક મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે, વાંસદા સહિતના આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. આ લાયબ્રેરીઓ આદિવાસી દીકરા-દીકરીઓ માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું ઉત્તમ માધ્યમ બનશે. રમતગમત ક્ષેત્રે પણ આદિજાતિ વિસ્તારના યુવાનો આગળ આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
સાબરકાંઠાની આદિવાસી દીકરી તેજલબેન ડામોરે એશિયન ગેમ્સમાં મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આઠ ખેલાડીઓને રૂ.૮.૫૦ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તહેવારોના માહોલમાં નાગરિકોને અપીલ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વે સ્થાનિક હસ્તકલા સાથે સંકળાયેલી બહેનો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે કપડાં, દીવડાં તથા શણગારની વસ્તુઓની ખરીદી કરીને તહેવારની ખુશીઓ સૌ સાથે વહેંચવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૧૧.૩૦ કરોડના ખર્ચે વાંસદા-વાંસીયાતળાવ-બોરિયાચ-ખાટા-આંબા-કણધા સુધીના રસ્તાના રીસરફેસિંગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૫૫.૨૩ કરોડના ખર્ચે પાંચ રસ્તાઓનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક વાંસદા તાલુકામાં રૂ.૫૯.૬૫ કરોડના ખર્ચે સાત રસ્તાઓનાં કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંસદા તાલુકાનાં વિવિધ ગામોમાં નોન-પ્લાન રસ્તાઓ, કોઝવે અને બ્રિજ સહિતનાં રૂ.૪૭.૯૨ કરોડના ખર્ચે હાથ ધરાનારા ૩૩ વિકાસકાર્યોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકાકક્ષાની ભગવાન બિરસા મુંડા લાયબ્રેરીઓના નિર્માણકાર્યોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીખલી ખાતે રૂ.૬.૧૩ કરોડ, ખેરગામ ખાતે રૂ.૫.૫૫ કરોડ તથા વાંસદા તાલુકા મથકે રૂ.૪.૮૪ કરોડના ખર્ચે લાયબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. આ લાયબ્રેરીઓ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અને જ્ઞાનવર્ધન માટે ઉપયોગી બનશે.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે અંતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણીએ આભારવિધિ આટોપી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અગ્રણી ભૂરાભાઈ શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button