સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવ નિયુક્ત નર્સિંગ સ્ટાફ માટે ઇન્ડક્શન ટ્રેનિંગ યોજાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવ નિયુક્ત નર્સિંગ સ્ટાફ માટે ઇન્ડક્શન ટ્રેનિંગ યોજાઈ
પ્રથમ તબક્કામાં ૧૨૦ નર્સની નિમણૂક કરવામાં આવીઃ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નવ નિયુક્ત નર્સિંગ સ્ટાફને હોસ્પિટલની કામગીરી, દર્દીઓની સંભાળ, ઇમરજન્સી સેવાઓ, દવા વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને ઇન્ફેક્શન કંટ્રોલ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવા સિવિલ મેડિકલ કોલેજના સુશ્રુત હોલ ખાતે ઇન્ડક્શન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં નવ નિયુક્ત નર્સિંગ સ્ટાફને હોસ્પિટલની પાયાની સેવાઓ, ઇમરજન્સી દરમિયાન કરવાની કામગીરી, દર્દીઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવાની પદ્ધતિ, દવાઓની ઉપલબ્ધતા ઓછી હોય ત્યારે અનુસરવાની પ્રક્રિયા, ફાયર સેફ્ટી, કોલેજ સપોર્ટ, વિવિધ કોડ મુજબની કામગીરી તથા દર્દીઓ સાથેના યોગ્ય વ્યવહાર અંગે તબક્કાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન એસઓપી વિભાગ, ફાર્માકોલોજી વિભાગ, એનએસસી વિભાગ, ફાયર વિભાગ અને ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિંગ વિભાગ સહિતના નિષ્ણાતો દ્વારા અલગ-અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા જળવાય, સારવારની પ્રક્રિયા સુચારુ રહે અને નર્સિંગ સ્ટાફ પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.પારુલબેન વડગામાએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી નર્સિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાના કારણે કામગીરીમાં સ્ટાફની અછત અનુભવાતી હતી. નર્સોની પસંદગી અને ભરતી અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવતા તેમણે તાત્કાલિક ધોરણે ભરતી કરવા માટેના આદેશો આપ્યા હતા. જેના પરિણામે નર્સની ભરતી માટેની પ્રક્રિયા આગળ વધી શકી છે. પ્રથમ તબક્કામાં ૧૨૦ નર્સની નિમણૂક કરવામાં આવી છે. આ માટે તેમણે આરોગ્ય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં સેવા આપવી એ એક સારી તક અને જવાબદારી છે. ખાનગી હોસ્પિટલની સરખામણીએ સરકારી હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે. આવા દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરવી એ માત્ર નોકરી નહીં, પરંતુ સેવાનું ઉમદા કાર્ય છે. આવનારા સમયમાં નવનિયુકત નર્સોએ પોતાની ફરજ નિષ્ઠા, સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક નિભાવવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની છાપ માત્ર સારવારથી જ નહીં, પરંતુ દર્દીઓ સાથેના વાણી, વર્તન અને વ્યવહારથી પણ ઊભી થાય છે. તેથી દરેક દર્દી સાથે પરિવારના સભ્ય જેવો આત્મીયતાભર્યો વ્યવહાર રાખવો જોઈએ. વધુમાં, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સિવિલ હોસ્પિટલના હિતમાં નર્સિંગ સ્ટાફની અછત દૂર કરવા તાત્કાલિક ભરતીના આદેશ આપ્યા તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે આરએમઓ ડો. લક્ષ્મણ, મેડિકલ કોલેજના ડીન ડો. ચેતન આચાર્ય, ચીફ મેડિકલ ઓફિસર ડો. જાગાણી, પીએમજેએવાય નોડલ ઓફિસર ડો. ભરત પટેલ, કિડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. ભરત ચાવડા, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન અને ભાવિની પટેલ તથા નિલેશ લાઠિયા, વિરેન પટેલ, જગદીશ બુહા અને રાજુ નાયક સહિતના નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



