સુરતના સચીન GIDCમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ

સુરતના સચીન GIDCમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ
ડિગ્રી વિના એલોપેથી સારવાર કરતા ૪ શખ્સો ઝડપાયા, મેડિકલ ઓફિસરો સાથે પોલીસે ચાર ક્લિનિકમાં પાડ્યા દરોડા
એલોપેથી દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ૪૭,૪૫૫નો મુદ્દામાલ જપ્ત
શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સચીન GIDCવિસ્તારમાં યોગ્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના એલોપેથી દવાઓ અને ઈન્જેક્શન દ્વારા દર્દીઓની સારવાર કરતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ અને મેડિકલ ઓફિસરોની સંયુક્ત ટીમે ચાર અલગ-અલગ ક્લિનિકમાં દરોડા પાડીને કુલ ૪૭,૪૫૫ની કિંમતની દવાઓ, ઈન્જેક્શન, સિરપ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે.
પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં બોગસ ડોક્ટરોની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સચીન ય્ૈંડ્ઢઝ્ર પોલીસે મેડિકલ ઓફિસરોને સાથે રાખીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ચાર ક્લિનિકમાં દરોડા, ચાર શખ્સો સામે કાર્યવાહી
પોલીસની તપાસ દરમિયાન સચીન GIDC વિસ્તારમાં આવેલી ચાર ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે એલોપેથી સારવાર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
રામબહાદુર અભીબરન વર્માઃ શિવનગર ખાતે આવેલી વિપીન ક્લિનિક છેલ્લા બે વર્ષથી ચલાવતો હતો. તેણે મ્.છ. સુધીનો અભ્યાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આશીષ રામસાગર મૌર્યઃ ગભેણી રોડ પર આશીષ ક્લિનિક છેલ્લા પાંચ મહિનાથી ચલાવતો હતો. તેણે પ્રયાગરાજની આયુષ્યમાન પેરામેડિકલ સાયન્સ એજ્યુકેશન ફાઉન્ડેશન કોલેજમાં અભ્યાસ કર્યો હોવાનું નોંધાયું છે. તે દરરોજ આશરે ૧,૦૦૦થી ૧,૨૦૦ કમાતો હતો.
નોરોટોમ સુરેશ બૈરાગીઃ ઈશ્વરનગર ખાતે શ્રીરામ ક્લિનિક છેલ્લા બે વર્ષથી ચલાવતો હતો. તેણે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
મહેન્દ્રભાઈ શ્યામરાવ પવારઃ રામેશ્વર કોલોની ખાતે શ્રી સાંઈ ક્લિનિક છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતો હતો. તેણે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી નો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તે દરરોજ આશરે ૧,૨૦૦થી ૧,૫૦૦ કમાતો હતો.
૪૭,૪૫૫નો મુદ્દામાલ જપ્ત
પોલીસ અને મેડિકલ ઓફિસરોની સંયુક્ત તપાસ દરમિયાન ચારેય ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની એલોપેથી દવાઓ, ઈન્જેક્શન, સિરપ અને સારવારમાં ઉપયોગમાં લેવાતા મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ ૪૭,૪૫૫ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીથી સચીન GIDCવિસ્તારમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


