શ્રી માધવ ગૌશાળા ખાતે ભવ્ય ભસ્મ આરતી તથા મહાકાલ સ્વરૂપ શૃંગાર યોજાયો

શ્રી માધવ ગૌશાળા ખાતે ભવ્ય ભસ્મ આરતી તથા મહાકાલ સ્વરૂપ શૃંગાર યોજાયો
સુરત: શ્રી માધવ ગૌશાળાના પ્રાંગણમાં આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 6 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ભવ્ય ભસ્મ આરતી તથા મહાકાલ સ્વરૂપ શૃંગારનું પાવન આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સોમેશ્વર મહાદેવને ભવ્ય મહાકાલ સ્વરૂપમાં શણગારવામાં આવ્યા હતા, જેના દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ શ્રી આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે, મહાદેવના આ વિશેષ ધાર્મિક આયોજનનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક વાતાવરણમાં ભગવાન સોમેશ્વર મહાદેવના દિવ્ય દર્શનનો લાભ અપાવવાનો તેમજ ગૌસેવા સાથે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.
કાર્યક્રમ દરમિયાન 12 ફૂટ ઊંચા ભવ્ય શિવલિંગનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શિવલિંગને 25,000થી વધુ રુદ્રાક્ષોથી અલંકૃત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
આ ઉપરાંત ગૌમાતાના પવિત્ર ગોબરથી નિર્મિત 12 જ્યોતિર્લિંગોની દિવ્ય પ્રતિકૃતિઓ તથા ગોબરથી તૈયાર કરવામાં આવેલી વિશેષ ધાર્મિક રચના પણ ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવી હતી.
મહાદેવનો વિવિધ પવિત્ર દ્રવ્યો તથા ઔષધીય પદાર્થોથી વિશેષ અભિષેક અને શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તિભાવ અને ધાર્મિક વિધિ સાથે ભવ્ય ભસ્મ આરતી યોજાઈ હતી.
અધ્યક્ષ શ્રી આશિષ સુર્યવંશી એ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી માધવ ગૌશાળા માત્ર ગૌસેવાનું સ્થાન નથી, પરંતુ ગૌસેવા સાથે ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકાર્યોને પણ પ્રોત્સાહન આપતું પવિત્ર સ્થાન છે. આવા ધાર્મિક આયોજનો દ્વારા ભક્તો અને સમાજમાં સંસ્કાર, સેવા અને આધ્યાત્મિક ભાવનાને પ્રેરણા મળે તેવો સંસ્થાનો પ્રયાસ છે.
ભસ્મ આરતી તથા મહાકાલ સ્વરૂપના દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શ્રી માધવ ગૌશાળાનું વાતાવરણ *“હર હર મહાદેવ”*ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય તથા આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.



