18 નવેમ્બર- નેચરોપથી ડે
18 નવેમ્બર, “નેચરોપથી ડે”
નેચરોપથી – ફક્ત પથી નહી પણ જીવન જીવવાની પદ્ધતિ
નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે. નેચરોપથી એ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારનાં માધ્યમથી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર કાઢવાની પ્રક્રિયા છે. નિસર્ગોપચાર કેન્દ્રમાં, શરીરમાંથી દૂષિત તત્વો, વિષતત્વો, શરીરમાંથી દૂર કરવામાં આવે છે અને પોષક તત્ત્વોની રચના અને વૃદ્ધિ પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિની મુખ્ય વિશેષતા એ છે કે આ પદ્ધતિનાં કોઈ પણ ઉપચારનાં પ્રયોગમાં શરીરને કોઈ પણ જાતનું નુકસાન કે આડઅસર થતી નથી.
નેચરોપથીનો પ્રચાર ભારતમાં મહાત્મા ગાંધીજોએ કર્યો છે. ગાંધીજી કહેતા કે, “પ્રાકૃતિક ચિકિત્સા કે નેચરોપેથી એ કોઈ ચિકિત્સા પદ્ધતિ નથી. એ એક જીવન જીવવાની સરળ પદ્ધતિ છે.”
નેચરોપેથી કેન્દ્રમાં માત્ર દર્દી ના દર્દો અને રોગો પણ ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ તેમના સંપૂર્ણ શરીર અને પહેલા જે તે વ્યક્તિ કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા ? તેમની જીવનશૈલી કેવી હતી ? તે શું કામ કરતા હતા ? કેવું જમતા હતા ? તે વિશે માહિતી એકત્ર કરવામાં આવે છે જેના આધારે કુદરતી ઉપચાર ચિકિત્સક પેશન્ટને કઈ કુદરતી ઉપચાર ચિકિત્સા કરાવવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપે છે. ઘણા લોકો એવું માને છે કે આયુર્વેદ અને નેચરોપથી બંને સમાન છે, પરંતુ એવું નથી. પ્રાચીન સમયમાં આ બંને પદ્ધતિઓને એક ગણાતી હતી, પરંતુ ત્યારબાદ આયુર્વેદમાં જ્યારે તાજી વનસ્પતિઓને બદલે સુકી વનસ્પતિઓનો ઉપયોગ તેમજ વાટી,ઘુટી કે દવાનો પ્રયોગ શરુ થયો ત્યારથી નેચરોપેથી આયુર્વેદથી વિખુટી પડી ગઈ. કુદરતી ઉપચાર પ્રક્રિયામાં ફક્ત કુદરતી સંસાધનો અને તાજા ફળો, ફૂલો અને શાકભાજીનો ઉપયોગ થાય છે. આપણે સ્વસ્થ જીવન જીવવા માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ભાગ ગણાતી નેચરોપથીનો પ્રયોગ કરતા રહેવું જોઈએ અને તે દ્વારા રોગ પ્રતિકારક શક્તિને વધુને વધુ મજબુત બનાવવી જોઈએ.