21 સપ્ટેમ્બર, “આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ”
21 સપ્ટેમ્બર, “આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ”
વિશ્વ શાંતિ અમર રહો
“આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ” સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરનાં રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. “વિશ્વ શાંતિ દિવસ” ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. ઝાડની ડાળી પર બેઠેલું સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે. વિવિધ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત માનવામાં આવે છે. વિશ્વ શાંતિ દિવસે ઠેર ઠેર કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો ફેલાવાય છે.
21 સપ્ટેમ્બરને વૈશ્વિક યુદ્ધ વિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં નિ:શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે. દુનિયાનાં મોટા ભાગના દેશો દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ ઓછી રકમ ખર્ચ થાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાનાં દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. જેને કારણે એક મજબૂત અર્થતંત્રની રચના કરી શકાય અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો કરી શકાય, કારણ કે જો દેશનો નાગરિક સ્વસ્થ અને ભણેલો હશે તો જ દેશ સ્વસ્થ અને મજબૂત બની શકશે અને વિકાસ કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રનાં ન્યુ યોર્ક સ્થિત મુખ્ય મથકમાં એક શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલને વગાડીને કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનનાં સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો. જે યુદ્ધના ભયંકર પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ બેલ પર ‘વિશ્વ શાંતિ અમર રહો’ સૂત્ર કંડારવામાં આવ્યું છે.
કોઈ પણ જીવ ખાઈ છે, પીએ છે, કમાય છે, જીવે છે, નવું ઘર લે છે, ગાડી લે છે, પરંતુ આ બધાનો હેતુ અંતે તો શાંતિ મેળવવાનો જ હોય છે. માણસ પાસે ગમે તેટલું હોય પણ જ્યાં સુધી એના મનમાં શાંતિનો વાસ ન હોય ત્યાં સુધી એને ચેન પડતો નથી. ઈશ્વરની ભક્તિ પણ ત્યારે જ થઈ શકે છે જયારે માણસનું મન અને મગજ વિચારો, દુરાગ્રહો કે હઠાગ્રહો રહિત થઈ જાય તો જ એ ભક્તિમાં એકાકાર થઈ શકાય છે. ક્યારેક મનુષ્ય વધુ કમાવાની કે વધુ સુખ મેળવવાની લાલસામાં, ક્યારેક મિત્રો પાસેથી વધારે પડતી અપેક્ષા સેવીને, ક્યારેક સ્વજનો પર જબરદસ્તી પોતાને મન ચાલતી વાણી, વર્તન કે વ્યવહાર માથે નાખીને જાતે જ ઉભા કરેલી અશાંતિનાં વર્તુળમાં ફસાઈ જતો હોય છે. આ શાંતિ દિવસ પર સૌ અશાંતિનાં વમણોમાંથી મુક્ત થઈને શાંતિ અને કરુણાનો અહેસાસ કરીએ અને કરાવતા શીખીએ.