ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા કપરાડામાં માસિક સ્વચ્છતા જાગૃતિ અભિયાન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવામાં આવી

ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા કપરાડામાં માસિક સ્વચ્છતા જાગૃતિ અભિયાન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવામાં આવી
* માસિક સ્વચ્છતા અંગે અર્થપૂર્ણ ચર્ચાઓમાં 113થી વધુ મહિલાઓ અને સમુદાયના સભ્યો જોડાયા
વલસા : સમુદાય કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં, ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસના અવસરે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે આવેલ રેસોનિયા સેનિટરી પેડ મેકિંગ યુનિટમાં સફળતાપૂર્વક માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પહેલનો મુખ્ય હેતુ માસિક ધર્મ (પીરિયડ્સ) અંગે સમાજમાં લાંબા સમયથી રહેલી માન્યતાઓ અને સંકોચને દૂર કરવાનો તેમજ મહિલાઓને માસિક આરોગ્ય વિશે ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે ખુલ્લેઆમ વાત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, બીએઆઇએફ ફેડરેશનના સભ્યો તથા સ્થાનિક બુક ફોર ચેન્જ ફાઉન્ડેશન સમુદાયની મહિલાઓ સહિત કુલ 113થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે આશા, જ્ઞાન અને સશક્તિકરણનું પ્રતિક છે. ત્યારબાદ પ્રશ્નોત્તરી આધારિત મૂલ્યાંકન પ્રવૃત્તિ અને ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના વિચારો રજૂ કર્યા.
માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે ખાસ તૈયાર કરવામાં આવેલી જાગૃતિ ફિલ્મના પ્રદર્શન અને તાલીમ સત્ર દ્વારા ઉપસ્થિતોને સુરક્ષિત સ્વચ્છતા પદ્ધતિઓ, માસિક કાળજી અને મહિલાઓના સર્વાંગી આરોગ્યના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ સત્રમાં જાગૃતિ અને સ્વચ્છતા સુધીની પહોંચ મહિલાઓ તથા કિશોરીઓના આત્મવિશ્વાસ, શિક્ષણ અને જીવનની ગુણવત્તા પર કેવી રીતે સકારાત્મક અસર કરે છે તે અંગે પણ સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક અને અસરકારક ભાગ “મેરી કહાની સર્કલ” રહ્યો, જેમાં મહિલાઓને માસિક ધર્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો, પડકારો અને લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે સુરક્ષિત અને સહાયક મંચ આપવામાં આવ્યો હતો. ઘણી મહિલાઓએ પ્રથમ વખત નિખાલસપણે પોતાના અનુભવો વહેંચ્યા, જેના કારણે એકતા અને પરસ્પર સમજણનું ભાવનાત્મક વાતાવરણ સર્જાયું.
“#શરમ નહીં, વાત કરો”ના શક્તિશાળી સંદેશને આગળ વધારતાં આ પહેલ દ્વારા મહિલાઓને માસિક ધર્મ અંગે ખુલ્લેઆમ ચર્ચા કરવા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેની સાથે જોડાયેલા કલંકને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.
આ પહેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં બીએઆઇએફ ફેડરેશન લીડ અને તાલુકા વિકાસ અધિકારી અમિતાબેને જણાવ્યું હતું કે, “માસિક સ્વચ્છતા માત્ર આરોગ્યનો વિષય નથી, પરંતુ દરેક મહિલા અને કિશોરી માટે ગૌરવ, આત્મવિશ્વાસ અને જાગૃતિ સાથે જોડાયેલ મુદ્દો છે. આવી પહેલ મહિલાઓને કોઈપણ ભય કે સંકોચ વિના પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે. ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે, પોતાના અનુભવો વહેંચી રહી છે અને સાથે મળીને શીખી રહી છે તે ખૂબ પ્રોત્સાહક છે. વધુ સ્વસ્થ અને સશક્ત સમુદાયોના નિર્માણ માટે આવા જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી છે.”
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ સંયુક્ત પ્રતિજ્ઞા લીધી કે, “અમે માસિક ધર્મ વિશે વાત કરવામાં ક્યારેય શરમ અનુભવીશું નહીં અને આવનારી પેઢીને માસિક આરોગ્ય અને સ્વચ્છતા અંગે શિક્ષિત કરીશું.”
આ પહેલે ઉપસ્થિત લોકો પર દીર્ઘકાલીન અને સકારાત્મક અસર છોડી હતી. ઘણા સહભાગીઓએ ભવિષ્યમાં પણ આવી ચર્ચાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આવા કાર્યક્રમો દ્વારા ખાવડા 4સીપાવર ટ્રાન્સમિશન લિમિટેડ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસતી મહિલાઓ માટે વધુ સ્વસ્થ, જાગૃત અને સશક્ત સમુદાયોના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
જાગૃતિ, સંવેદના અને ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપીને, કંપની એવા ભવિષ્યના નિર્માણ માટે યોગદાન આપવા માંગે છે જ્યાં માસિક આરોગ્યને યોગ્ય સન્માન, સમજણ અને મહત્વ આપવામાં આવે.



