આરોગ્ય

31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

તમાકુને ના, જિંદગીને હા

 ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર થાય છે. તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. તમાકુની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર ( માઉથ કેન્સર ) છે. જો તમાકુનાં સેવનની આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ, સીગારેટ ના પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસનનો શિકાર થતા જ હોય છે. ધુમ્રપાનની સમસ્યાની વાત કરીએ તો તે મુખ્યત્વે મેટ્રો સિટીમાં(શહેરોમાં) વધારે જોવા મળે છે. તેની પાછળ મેટ્રો સિટિનું(શહેરોનું) વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવાબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. આવી આદત છોડવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ મક્કમ નિર્ધાર કરવો પડશે જેના માટે એકાગ્રતા ચિત્તની શક્તિની આવશ્યકતા છે. આ શક્તિ ધ્યાન, પ્રાણાયામ અને યોગથી શક્ય બની શકશે. તમામ વ્યસનોનો ત્યાગ કરીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button