આરોગ્ય

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૪૧મું સફળ અંગદાન થયું, બ્રેઈનડેડ શંકરભાઈ માળીની બે કિડની થકી બે વ્યક્તિઓને મળશે નવજીવન

સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના કારણે છેલ્લા ૧૦ મહિનામાં ૪૧મું અંગદાન થયું

સુરતઃમંગળવારઃ- સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે ૪૧મું સફળ અંગદાન થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ રૂપલાભાઈ માળીને તા.૧૮/૦૮/૨૦૨૩ રાત્રે જમીને અચાનક સાધારણ દુ:ખાવાની સાથે ખેચની અસર જણાતી હતી. જેથી મોટાભાઇ વિરેન્દ્ર અને પરિવારજનોએ તા.૧૯મીના રોજ સવારના ૯.૫૦ વાગે સાયણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તબીબોએ તપાસ કરતા સ્થિતિ વધારે ગંભીર હોવાનું જણાવતા તત્કાલ ૧૧:૧૧ વાગે બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર બાદ તા.૨૧મી ઓગષ્ટના રોજ ૧૧.૪૫ વાગે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો. કેયુર પ્રજાપતિ તથા RMO ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
માળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારવાનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. જેથી આજે સવારે બન્ને કિડનીનું દાન સ્વીકારી અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
બ્રેઈનડેડ શંકરભાઈ માળી મૂળ મહારાષ્ટ્રના ધુલેના કલમસારેના વતની છે. તેમના પરિવારમાં શંકરભાઈના પત્ની પ્રેમિલાબેન, પુત્ર વિરેન્દ્ર તથા મુકેશભાઇ છે.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના ડોકટરોના સઘન પ્રયાસોના કારણે છેલ્લા ૧૦ મહિના દરમિયાન ૪૧ સફળ અંગદાન થયા છે. જેમાં ૭૪ કિડની, ૩૨ લિવર, ૩ હદય, ૧ સ્વાદુપિંડ, ૪ આંતરડા, ૭ હાથ, ૧૪ આંખ અને આમ કુલ ૧૩૭ અંગોનું દાન થયું છે. સિવિલ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, જાગૃત્ત સ્વયંસેવકોના સૌના સહિયારા પ્રયાસોના પરિણામે અંગદાનની જાગૃતિ આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button