સુબિર ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ

સુબિર ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ
ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના હસ્તે કરાયુ ધ્વજવંદન
જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનુ પણ કરાયુ અભિવાદન
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ, અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઇ રજુઆત
રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સુબિર સ્થિત નવજ્યોત સ્કૂલ પટાંગણના ફલક પર લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી. ચૌધરીએ તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને વહિવટી તંત્ર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા.
આ શુભ અવસરે કલેક્ટરશ્રીએ ભારત વર્ષના મહાન ક્રાંતિવીરો, સ્વતંત્રતા સેનાનીઓ, શહીદો, અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરનારા સૌ દેશભક્તોને કોટી કોટી વંદન કરી, આઝાદીના પ્રતિક સમા આ તિરંગાનુ માન સન્માન હમેશા જળવાઈ રહે, દેશની એકતા અને અખંડીતતાને કોઈ આંચ ન આવે, તે માટે રાત દિવસ ફરજરત, ભારતીય સેનાના જવાનોને પણ યાદ કર્યા હતા. સાથે જ ભારત દેશ માટે સમર્પણ સાથે કાર્યરત જન નાયકો તેમજ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રોમા પોતાનુ બહુમૂલ્ય યોગદાન આપનાર સર્વશક્તિમાન દેશના નાગરિકો, મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો અને દેશની સુરક્ષામા પરોવાયેલા બહાદુર યોદ્ધાઓને પણ વંદન કર્યાં હતા.
પ્રજાસત્તાક પર્વ ફક્ત બંધારણના અમલની ઉજવણી નથી. પરંતુ તે દેશની વૈવિધ્યતામા એકતા, શાંતિ, તમામ જાતિઓના સમન્વય, અને પ્રગતિ માટેના સંકલ્પનાને પ્રતિબિંબિત કરે છે. આ દિવસ દેશની આઝાદીના માર્ગ, ત્યાગ અને સંકલ્પની યાત્રા તરફ આમંત્રણ આપી દેશના વિકાસમા સહભાગી થવા દૃઢ નિશ્ચય સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. પ્રજાસત્તાક પર્વ એ ભારતના વિવિધ સંસ્કૃતિ, ભાષાઓ, ધર્મો, ખાનપાનમા ભિન્નતા હોવા છતા એકતા સર્વોપરી છે. આ દિવસની ઉજવણી, દેશની વિવિધતા અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. આજના યુવાનો માટે પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવાની સાથે, સમાજમા નવીન વિચારધારાઓ, સકારાત્મક બદલાવ અને શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે, તેમ કલેક્ટરશ્રીએ પોતાના પ્રજાજોગ વકતવ્યમા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના આદિવાસીઓની સંસ્કૃતિની સરાહના કરી, માન્યતા અને શ્રદ્ધા સાથે જોડાયેલા આદિવાસી સમુદાયની જીવનશૈલી પ્રકૃતિ સાથે જોડાયેલી છે તેમ જણાવ્યુ હતુ. આદિવાસીઓ માટે જળ, જંગલ, જમીન અગત્યનો ભાગ છે. તેમના નૃત્ય, સંગીત, વાદ્ય, અને પૂજા, લોકમેળાઓમા ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે. આદિવાસી સમુદાય પોતાના પરંપરાગત ઉત્સવોની તૈયારી ખુબ જ આનંદમય રીતે કરે છે. ડાંગ જિલ્લાનુ ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય, કાહળ્યા નૃત્ય જે નૃત્યો અને સંગીતના માધ્યમથી લોકો પોતાની પેઢી માટે જ નહી, સમગ્ર સમાજ માટે પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે. લોકનૃત્યો એ આદિવાસીઓનુ ઘરેણું છે. આદિવાસીઓના આકર્ષક લોકનાટય તથા સાંસ્કૃતિક વારસો લોક સમાજમા જાગૃતિ અને સંસ્કૃતિના મહત્વને પણ ઉજાગર કરે છે, તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રજાના સહકારથી જિલ્લાના વહીવટી તંત્રને મળેલા ત્રણ જેટલા એવોર્ડ્સ એ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે. ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ગત દિવસોમા ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો હતો. જ્યારે કૃષિ ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને ડાંગ પોલીસ પ્રશાસનને તેમના સંવેદનાસભર ‘દેવી પ્રોજેકટ’ માટે ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો છે તેમ તેમણે સગર્વ ઉમેર્યું હતુ.
આ સાથે જ રમત ગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાના અનેક ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યુ છે. તે વિશે જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યુ હતુ કે, તાજેતરમા જ સંપન્ન થયેલા વિશ્વના પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમા, ભારતીય (વુમન્સ) ખો ખો ટીમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ખો-ખો રમતમા ગુજરાતની ટીમનુ પ્રતિનિધિત્વ કરનાર અને ડાંગની દીકરી કુ.ઓપીના ભિલારે પણ આ રમતમા ભાગ લીધો હતો. જે જિલ્લા માટે ખુબ જ ગૌરવની બાબત છે. તેમજ સરીતા ગાયકવાડ અને મુરલી ગાવિતે પણ રમત ગમત ક્ષેત્રે નામના મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રજાના સહકારથી ડાંગ જિલ્લો પ્રતિ વર્ષ વિકાસની ગતિએ આગળ વધે એવી શુભેચ્છાઓ કલેક્ટરશ્રીએ પાઠવી હતી.
શિસ્તબદ્ધ પરેડ
સુબિર સ્થિત નવજ્યોત સ્કૂલ ખાતે આયોજિત ૭૬મા ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પ્રસ્તુત કરવામા આવી હતી. પરેડ કમાન્ડર શ્રી વિજયભાઈ મોતીરામભાઈ પટેલની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ (હથિયારી/બિન હથિયારી)ની પ્લાટુન સહિત વનપાલ સહાયક (મહિલા/પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજુ કરવામા આવી હતી. જેમા ચુનંદા યુવક/યુવતિઓ, જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમે આવેલી પ્લાટુનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ ખુલ્લી જીપમા ફરીને પરેડનુ નિરીક્ષણ કરી, સૌનુ અભિવાદન પણ ઝીલ્યુ હતુ.
માહિતીપ્રદ ટેબ્લોઝ
પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. જેમા જિલ્લા પંચાયત ICDS શાખા દ્વારા પોષણની થીમ આધારિત ટેબ્લો રજુ કરાયો હતો, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળી દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ-કો-ઓપરેટીવસ, સહકારના સિધ્ધાંતો, વિના સહકાર નહિ ઉધ્ધાર, દૂધ ભરતા મહિલા પશુપાલકોને મંડળી દ્વારા નાણાંની ચુકવણી, મંડળીના સભ્યને પેટા કાયદાની જાણકારીની થીમ આધારીત ટેબ્લો, આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તરૂણ વયે સગર્ભા, ભણવા-રમવાની ઉંમરે સંસારની જવાબદારીઓ, નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી દ્વારા ચાફકટરના ઉપયોગના ફાયદા, સ્વચ્છ દૂધ કોને કહેવાય? થીમ પર ટેબ્લો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાકૃતિક ખેતી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ODF PLUS MODEL ની થીમ પર ટેબ્લો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આહવા દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ આધારિત ટેબ્લો, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની ઝાંખી આધારિત ટેબ્લો, ઉત્તર વન વિભાગ દ્વારા વાંસ થકી વોકલ થીમ તેમજ ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં આહવા, સુબિર, વઘઇ અને સાપુતારા આમ કુલ ૪ પોલીસ સ્ટેશનમા શરૂ કરાયેલ “સાંત્વના કેન્દ્ર” અંગેની વિગતો પ્રસ્તુત કરાઇ હતી. પ્રથમ ત્રણ ક્રમે રહેલા માહિતીપ્રદ ટેબ્લોઝને પણ પારિતોષિકો એનાયત કરવામા આવ્યા હતા.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
સુબિરના નવજ્યોત સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પ્રાથમિક શાળા સુબીર, નવજ્યોત સ્કૂલ સુબીર, પ્રાથમિક શાળા કડમાળ, કે.જી.બી.વી. ટીમ્બરથવા, પ્રાથમિક શાળા-બીલીઆંબા જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા. જોશભેર રજુ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમા બાળ કલાકારોએ તેમનામા રહેલી કળાના દર્શન કરાવ્યા હતા. મહાનુભાવોએ તેમની આ કળાકૃતિઓને બિરદાવતા રોકડ પારિતોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનુ પણ વિતરણ કરાયુ હતુ.
ચેક, ટ્રોફિ, પારિતોષિકો અને સન્માનપત્રોનુ વિતરણ
ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના હસ્તે ગત દિવસો દરમિયાન આયોજિત કરાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતાઓ, જિલ્લાના વિવિધ વિભાગોમા ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ, શ્રેષ્ઠ રમતવીરો સાથે તાજેતરમા જ ખો-ખો વર્લ્ડ કપમા ભાગ લઈ વિજેતા બનનાર કુ. ઓપીના ભીલારના માતા પિતાનુ પણ વિશેષ અભિવાદન કરાયુ હતું.
રંગારંગ પ્રભાતફેરી
સુબિર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે, સુબીર તાલુકા સેવા સદનથી સુબિરના મુખ્ય સર્કલ સુધી આયોજિત રંગારંગ પ્રભાતફેરીમા વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાના અંદાજીત એક હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
સુબીર ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રવીનાબેન ગાવિત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, રાજવીશ્રીઓ, સમાજિક અગ્રણીઓ, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, પુરવઠા અધિકારી શ્રી ઉમેશ પટેલ, મદદનીશ વન સંરક્ષક શ્રીમતી આરતી ભાભોર, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણા, સુબિર મામલતદાર શ્રી આઇ.એમ. સૈયદ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામા જોડાયા હતા.
કાર્યક્રમના ઉદ્ધોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ, અસ્મિતાબેન રાઠોડ, અને હિતેષભાઇ એસ સોલ્યાએ સેવા આપી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામા આવ્યુ હતુ.