SGCCI તથા IMA ગુજરાતને અભિનંદન પાઠવતા જળશકિત મંત્રી સી.આર.પાટીલ

SGCCI તથા IMA ગુજરાતને અભિનંદન પાઠવતા જળશકિત મંત્રી સી.આર.પાટીલ
ચેમ્બર દ્વારા એક સાથે ત્રણ એકઝીબીશનો યોજાયા છે ત્યારે સુરત શહેરને આવા એક્ષ્પોની જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એક્ષ્પો મહત્વપૂર્ણ સાબિત થશે : ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ
સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી તથા સુરતના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોતના હસ્તે હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાયું
SGCCI દ્વારા મેડીકલ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો’નું આયોજન કરાયું છે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’એકઝીબીશન ર૦રપનું સંયુકતપણે આયોજન કરવામાં આવ્યું છે.
શનિવાર, તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ ઓનલાઇન જોડાયા હતા અને SGCCI તથા IMA ગુજરાત અને સુરતને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં એરપોર્ટ કનેકટીવિટી વધ્યા બાદ હવે વિદેશી ડેલીગેટ્સ સુરત આવતા થયા છે. સુરતમાં હવે બધી જ વ્યવસ્થા થવા લાગી છે. ચેમ્બર દ્વારા એક સાથે ત્રણ એકઝીબીશનો યોજાયા છે ત્યારે સુરત શહેરને આવા એક્ષ્પોની જરૂરિયાત છે. વિવિધ એકઝીબીટર્સોએ એમાં ભાગ લઇને એક્ષ્પોને મહત્વ આપ્યું છે, આથી ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એક્ષ્પો મહત્વપૂર્ણ સાબિત થશે.
સુરતના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભભાઇ પારધી (IAS), સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમ સિંહ ગહલોત (IPS)ના વરદ્ હસ્તે હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને અધિકારીઓએ એક્ષ્પોમાં દરેક સ્ટોલની વિઝીટ લઇ માહિતી મેળવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરાયું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ એક્ષ્પોમાં કાચની સફાઇ કરનારા રોબોટનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત સુરતમાં આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત આ એક્ષ્પોમાં ઓટીપી બેઇઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવી રહયું છે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન થઇ રહયું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ એકઝીબીશન વિષે માહિતી આપી હતી. જ્યારે ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના સભ્ય ડો. રાજન દેસાઇએ સમારોહનું સંચાલન કર્યું હતું.
હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના ઉદ્ઘાટન સમારોહમાં સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ તથા ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રેસિડેન્ટ ડો. મેહુલ શાહ, હેલ્થ સ્કીમના ચેરમેન ડો. નવનિત પટેલ, ઓનરરી જોઈન્ટ સેક્રેટરી ડો. કમલેશ સૈની, ઓનરરી આસિસ્ટન્ટ સેક્રેટરી ડો. આશિષ ભોજક, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના (નેશનલ) વાઇસ પ્રેસિડેન્ટ ડો. નિતિન ગર્ગ, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના (સુરત) પ્રેસિડેન્ટ ડો. સી.બી. પટેલ અને ઓનરરી સેક્રેટરી ડો. હિરેન વૈદ્ય, ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો, મેનેજિંગ કમિટીના સભ્યો, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.