દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા દર મહિને રૂ.૯૦૦ની સહાય મેળવે છે
સુરત:બુધવાર: શારીરિક અને આર્થિક રીતે લાભદાયક ખેત પદ્ધતિ એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. બદલાતા સમયની જરૂરિયાતને આધારે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાના આહ્વાનને ઝીલીને કારણે સુરત જિલ્લાના અનેક ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે.
આવા જ એક ખેડૂત છે, સુરતના ઓલપાડ તાલુકાના કરંજ ગામના મનહરભાઈ લાડ. જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને જૈવ વિવિધતા જેવા પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામો(આધારસ્તંભો) સાથે આદર્શ ફાર્મ તૈયાર કરી પ્રાકૃતિક ખેતી કરતા મનહરભાઈ અનેક ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન પૂરૂ પાડે છે. માત્ર ધો. ૯ ભણેલા મનહરભાઈએ યોગ્ય માર્ગદર્શન અને પોતાની સૂઝબૂઝથી પ્રાકૃતિક ખેતીમાં મોટી સફળતા હાંસલ કરી છે. છેલ્લા ૬ વર્ષથી રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતીમાં પ્રવેશેલા મનહરભાઈ આજે ૩ વીઘાના ફાર્મમાં ૨૫થી ૩૦ જાતના ફળો, શાકભાજી અને ઔષધીય પાકનું વાવેતર કરી મબલખ ઉત્પાદનની સાથે વાર્ષિક રૂ.૪ લાખનો નફો રળે છે.
પ્રાકૃતિક ખેતી અંગેના સ્વઅનુભવો જણાવતા તેઓ કહે છે કે,વર્ષ ૨૦૧૮થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. આંબા, કેળ અને સરગવાથી શરૂઆત કરી યોગ્ય માર્ગદર્શન અને જાત અનુભવો થકી વિવિધ ફળો અને શાકભાજીનું વાવેતર પણ નાના પાયે શરૂ કર્યું. પહેલા બે વર્ષ દરમિયાન પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કેળા, પપૈયા અને કેરીનું ઘરે ઘરે જઈ વેચાણ કરતા હતા. ધીરે ધીરે તેની માંગ વધવા લાગી, ઉત્પાદન વધવા માંડ્યું અને ખર્ચ પણ ઘટવા લાગ્યો. જેથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને હું ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજીનું વાવેતર વધારતો ગયો. જેમાં મને સારી સફળતા મળી.
આજે ૩ વીઘા જમીનમાં આંબા, લીંબુ, દાડમ, આમળા, લીચી, સફરજન, સીતાફળ, રામફળ, હનુમાનફળ, લક્ષ્મણફળ જેવા ૨૫ થી ૩૦ પ્રકારના સિઝન પ્રમાણેના ફળો તેમજ ઔષધીય પાકમાં કરંજના દાતણ, પત્તરવેલીયા, આદુ, હળદરનું વાવેતર કરૂ છું. મુખ્ય પાક તરીકે કેરી, બારે માસ કેળા, લાલ, કાળા, સફેદ, ગુલાબી જાંબુ, વર્ષમાં બે વખત જમરૂખ, પપૈયા અને સાથે શાકભાજી પણ વાવું છું. સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલા મારા ખેતરમાં વોક વે પણ બનાવ્યો છે. જેથી કોઈ પણ ખેડૂત આ ફાર્મની મુલાકાત કરી નેચરલ ફાર્મિંગના લાભ જાણી અને માણી શકે.
વધુમાં તેમણે કહ્યું કે, શરૂઆતમાં હું ઘરે ઘરે જઈ મારી ખેતપેદાશોનું વેચાણ કરતો હતો, પરંતુ આજે ગ્રાહકો સામેથી ફોન કરે છે અને ઘણી સિઝનલ પેદાશો માટે તો એડવાન્સમાં ઓર્ડર પણ નોંધાવે છે. ગાય આધારિત ખેતીની સૌથી રસપ્રદ વાત છે કે, સમય સાથે ઉત્પાદન વધે છે અને ખર્ચ ઘટે છે. તેમજ પ્રાકૃતિક ખેતપેદાશો માટેની લોકજાગૃતિને કારણે સારા ભાવ મળે છે. જેથી આપોઆપ આવકમાં વૃદ્ધિ થાય છે. શરૂઆતમાં મને વાર્ષિક રૂ.૪૦ હજારનો નફો થતો હતો, જે વધીને આજે રૂ.૪ લાખ સુધી પહોંચ્યો છે.
પ્રાકૃતિક ખેતીના વધુ ફાયદાઓ જણાવતા તેઓ કહે છે કે, છ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં અળસિયાનો પણ વધારો થયો છે. વરસાદી પાણી ખેતરની બહાર જતું નથી અને સીધું પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ફાર્મનું વાતાવરણ જોઈને વધુ પ્રમાણમાં પક્ષીઓ આકર્ષાય છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને કારણે પ્રાકૃતિક ખેતી ખૂબ સરળ બની હોવાનું જણાવી તેમને દર મહિને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા રૂ.૯૦૦ની સહાય પણ મળતી હોવાનું ઉમેર્યું હતું.
રાજ્યસરકાર તરફથી મળતી સહાય માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી મનહરભાઈ તેમના જેવા અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કરે છે. તેમજ ગામડે-ગામડે ફરીને અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે. જેથી વડાપ્રધાનશ્રીનું ઝેરમુક્ત ભારતનું અભિયાન સત્વરે સફળ થઈ શકે.