તા.૨૫ ડિસેમ્બર-પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની જન્મજયંતી: ‘ગુડ ગવર્નન્સ ડે’

તા.૨૫ ડિસેમ્બર-પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની જન્મજયંતી: ‘ગુડ ગવર્નન્સ ડે’
માંડવી નગરપાલિકા : વિકાસ, પારદર્શક વહીવટ અને ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ
નગરજનોના સહયોગથી વેરા-વસૂલાતમાં માંડવી નગરપાલિકા અગ્રેસર: છેલ્લા બે વર્ષ થી નગરપાલિકાની ૯૦ % સુધી વેરા વસૂલાત
તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ ની કામગીરી પ્રગતિ હેઠળ: નગરજનો માટે રિવરફ્રન્ટ હરવા-ફરવા અને મનોરંજન પ્રવૃત્તિઓનું રમણીય સ્થળ
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ પૂર્ણ થયા બાદ તે જૂના રિવરફ્રન્ટ સાથે જોડાઈ જશે, જેના કારણે નગરજનો માટે એક વિશાળ અને આગવું રિક્રીએશન પ્લેસ બનશે

માંડવી નગરપાલિકા વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓ અને અનુદાનથી વિકાસકામોને સતત વેગ મળી રહ્યો છે. નગરજનો માટે સર્વાંગી આધુનિક સુખ સુવિધા ઉભી કરવાના ધ્યેય સાથે નગરપાલિકાએ આયોજનબદ્ધ વિકાસકાર્યો હાથ ધર્યા છે. વડાપ્રધાનશ્રીના ‘મિનીમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના વિઝનને સાકાર કરતી ‘આગવી ઓળખ’ યોજના સીમાચિહ્નરૂપ બની છે.
નગરજનો માટે અગાઉ હરવા-ફરવા માટે યોગ્ય જાહેર સ્થળ ન હોવાથી નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૧ ની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ કામગીરી વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન શરૂ કરવામાં આવી અને વર્ષ ૨૦૧૮-૧૯માં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ફેઝ-૧ પૂર્ણ થયા બાદ આ સ્થળ નગરજનો માટે હરવા-ફરવા, લગ્ન પ્રસંગો, સરકારી કાર્યક્રમો તેમજ નવરાત્રી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો માટે મહત્વનું કેન્દ્ર બની ગયું છે.
હાલમાં તાપી નદીના કિનારે ‘ડેવલપમેન્ટ ઓફ તાપી રિવરફ્રન્ટ ફેઝ-2’ ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજના ‘આગવી ઓળખ’ તથા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત અંદાજીત રૂ. ૮,૬૬,૭૩,૮૦૦/- ના ખર્ચે અમલમાં મૂકાઈ છે. ફેઝ-૨ પૂર્ણ થયા બાદ તે જૂના રિવરફ્રન્ટ સાથે જોડાઈ જશે, જેના કારણે નગરજનો માટે એક વિશાળ અને આગવું રિક્રીએશન પ્લેસ બનશે. અહીં બાળકો માટે રમણીય સુવિધાઓ, સિનીયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા તેમજ નગરજનો માટે આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત નગર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનો, ગટર લાઈનો તથા ગાર્ડનના વિકાસકામો પણ હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાના છે. આ તમામ કામગીરીમાં પ્રશાસન અને નગરજનોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. માંડવીના વિકાસમાં સહભાગી શાસનનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે.નગરપાલિકાના ચીફ ઓફિસર સુશ્રી પૂર્વી પટેલે જણાવ્યું હતું કે, નગરવિકાસ માટે આપવામાં આવતી ગ્રાંટ વેરા વસૂલાતના આધારે હોવાથી માંડવી નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ ટીમો બનાવી વેરા વસૂલાતની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે. નગરજનોના સહકારથી છેલ્લા બે વર્ષથી નગરપાલિકાની વેરા વસૂલાત ૯૦ ટકા સુધી પહોંચી છે, જેના કારણે વસૂલ થયેલા નાણાંનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ નગરના વિકાસકામોમાં કરવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સહિત અનેકવિધ વિકાસકાર્યો નગરની રોનક વધારશે. તા.૨૫ ડિસેમ્બર-પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘ગુડ ગવર્નન્સ ડે’ના અવસરે, માંડવી નગરપાલિકાનો વિકાસલક્ષી, જવાબદાર અને પારદર્શક વહીવટ તેમજ સુશાસનની ભાવનાને નવી દિશા આપી છે.



