ભાવનાબેન બાંભરોલીયા ફાર્મસી કોલેજમાં સ્નેહ સન્માન સમારોહ અને માતૃ-પિતૃ પૂજનનો ત્રિવેણી સંગમ યોજાયો

ભાવનાબેન બાંભરોલીયા ફાર્મસી કોલેજમાં સ્નેહ સન્માન સમારોહ અને માતૃ-પિતૃ પૂજનનો ત્રિવેણી સંગમ યોજાયો
વાપી : શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ-વાપી ખાતે તારીખ: ૦૪/૦૪/૨૦૨૬ શનિવારના રોજ ” જ્યુબિલન્ટ ડે – 2K26 “ સ્નેહ સન્માન સમારોહ” તથા “માતૃ – પિતૃ પૂજન” નું ભવ્ય અને યાદગાર આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો દિવ્ય શુભારંભ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટરશ્રીઓ અને ફાર્મસી કોલેજના આચાર્યશ્રીના વરદ હસ્તે દીપપ્રાગટ્યથી પ્રાર્થના અને સ્વાગત નૃત્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ પોતાના હૃદયસ્પર્શી સ્વાગત પ્રવચનમાં કોલેજની નોંધપાત્ર સિદ્ધિઓની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના માતાપિતા પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમનુ સંસ્થા મંડળે ભાવભીનું સ્વાગત કર્યું હતું.
શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરાને અનુસરીને અંતિમ વર્ષ બી.ફાર્મ. અને એમ.ફાર્મ. ના યશસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, શૈક્ષણિક સફર અને તેમના સંસ્કારોના માન-સન્માન સાથે તિલકવિધિ અને ભેટ-સન્માનથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ પણ તેમના ગુરુ સમાન સ્વામિજીઓનું તિલકપૂજન કરી વિદ્યા-વિદાયના અદભુત સંસ્કાર દર્શાવ્યા હતા. શ્રી યોગેશ મહારાજની ધાર્મિક દિશામાર્ગદર્શન હેઠળ “માતૃ-પિતૃ પૂજન” જેવી અનોખી પરંપરા દ્વારા માતા-પિતાના આશીર્વાદ લઇ શાસ્ત્રીય વિધિથી પૂજન કર્યું હતું. જે વંદનીય અને ભાવભર્યો ક્ષણ સૌના હ્રદયમાં અવિસ્મરણીય બન્યો. આવા કાર્યક્રમો આપણી પરંપરા, શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ, ત્રણે વચ્ચેનો સુંદર સમન્વય સ્થાપિત કરે છે.
પ.પૂ. પુરાણી સ્વામી કપિલજીવનદાસજીએ પોતાના આશીર્વચન દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું કે સદવિચારોના સિંચનથી સંસ્કારશીલ સમાજ અને દેશના સર્વાંગી વિકાસ માટે હંમેશા સકારાત્મક યોગદાન આપવું, તેમણે જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોના સેવનનું હંમેશા તિવ્ર પ્રતિબંધ અને વિરોધ કરવો જોઈએ તથા માતા-પિતાના આદર અને સત્કારથી જીવનમાં સફળતાની દૃઢ માર્ગે આગળ વધવાની ઊંડી પ્રેરણા આપી હતી તેમજ એકેડેમિક કેમ્પસ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેશ વી. લુહાર સરએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં અનુશાસન, ઉત્સાહ અને વ્યવસાયિકક્ષેત્રે કુશળતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદુપરાંત આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ ઉજ્જવળ ભવિષ્ય, ગુણવત્તાસભર શિક્ષણ અને પ્લેસમેન્ટને અભિપ્રેરિત કરતો સંદેશો પણ આપ્યો હતો.
આ કાર્યક્રમનું સચોટ સમગ્ર માર્ગદર્શન એકેડેમિક કેમ્પસ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેશ વી. લુહાર દ્વારા આપવામાં આવ્યું હતું, અને કાર્યક્રમનું સફળતાપૂર્વકનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, કોલેજ ના સ્ટાફ અને શ્રીમતિ જ્યોતિ યુ. પંડ્યાના અવિરત પ્રયત્ન દ્વારા થયું હતું. દરેક વર્ષના વિદ્યાર્થીઓ અને એમના ક્લાસ રીપ્રેસેનટેટીવોનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગળ પડતો સહયોગ રહ્યો હતો.
ત્યારબાદ આસીસ્ટન્ટ પ્રોફેસર વિધિ એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફેલિસિટેશન અને એવોર્ડ સેરેમની હાથ ધરાઈ હતી જેમાં સંપૂર્ણ વર્ષ દરમ્યાન જુદી જુદી એક્ટીવીટીમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ અને મેડલ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગીત, નૃત્ય, નાટક તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી રમતોનું પણ આયોજન થયું હતું. આ રમતમાં વિજેતા થયેલા વાલીઓને ભેટ આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગના અંતે અંતિમ વર્ષ બી.ફાર્મની વિદ્યાર્થીનીઓ ક્રિષ્ના પોસીયા અને રિધ્ધિ પઢીયાર તેમજ એમ.ફાર્મની વિદ્યાર્થીની કૃપા ભાનુશાળી દ્વારા તેમના શૈક્ષણિક અનુભવ અને અભ્યાસ અંગે વિચારો રજૂ કર્યા હતા. તેમજ વાલીઓએ પણ ફાર્મસી ક્ષેત્રમાં તેમના સંતાનોના સફળ શિક્ષણસફરની લાગણીઓ વ્યક્ત કરી હતી. આઉપરાંત ઉત્સાહી ક્લાસ રિપ્રેસેનટેટીવ અલિસા શૈખ અને માહી દિવાકરના સચોટ એન્કરિંગ દ્વારા ભાવસભર અભારવિધિ અને રાષ્ટ્રગાનની ગુંજ સાથે કાર્યક્રમનો વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું.
આ અલૌકિક દિવસ માટે શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફ સભ્યોએ વિદ્યાર્થીઓને તેમની સુંદર શિક્ષણયાત્રાને વિદાય નહીં, પરંતુ નવી ઉડાન અને ઉજ્જવળ ભવિષ્યના પ્રારંભ માટે હૃદયપૂર્વક આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.



