બોર્ડ અને શહેરના સરેરાશ કરતા પણ સુમન હાઈસ્કૂલોનું પરિણામ ઊંચું, ડીંડોલી અને પુણાગામની સ્કૂલોમાં 100% સફળતા”

બોર્ડ અને શહેરના સરેરાશ કરતા પણ સુમન હાઈસ્કૂલોનું પરિણામ ઊંચું, ડીંડોલી અને પુણાગામની સ્કૂલોમાં 100% સફળતા”

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી શરૂ કરવામાં આવેલી ‘સુમન હાઈસ્કૂલો’ આજે સફળતાના નવા શિખરો સર કરી રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના એસ.એસ.સી. બોર્ડના જાહેર થયેલા પરિણામોમાં સુમન હાઈસ્કૂલોએ ૯૨.૬૦% પરિણામ મેળવીને સુરત શહેર અને સમગ્ર રાજ્યના સરેરાશ પરિણામને પણ પાછળ છોડી દીધું છે.
બે શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવી ગૌરવ વધાર્યું મહાનગરપાલિકા સંચાલિત ૨૯ સુમન હાઈસ્કૂલો પૈકી સુમન હાઈસ્કૂલ-૧૩ (ડીંડોલી) અને સુમન હાઈસ્કૂલ-૧૮ (પુણાગામ) એ ૧૦૦% પરિણામ હાંસલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ પરિણામો પાલિકાના શિક્ષણ સ્ટાફની મહેનત અને આધુનિક શિક્ષણ પદ્ધતિનો પુરાવો આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું પરિણામ ૮૩.૮૬% અને સુરત જિલ્લાનું પરિણામ ૮૬.૦૪% રહ્યું છે, જેની સામે સુમન સ્કૂલોનું ૯૨.૬૦% પરિણામ ઐતિહાસિક છે.
ભાષાવાર પરિણામની વિગતો: વિવિધ માધ્યમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે:
હિન્દી માધ્યમ: ૯૯.૨૨%
ઉડિયા માધ્યમ: ૯૭.૨૪%
મરાઠી માધ્યમ: ૯૩.૭૧%
ગુજરાતી માધ્યમ: ૯૧.૮૨%
અંગ્રેજી માધ્યમ: ૮૭.૨૬%
ઉર્દુ માધ્યમ: ૭૪.૮૩%
શ્રેષ્ઠ વહીવટ અને આધુનિક સુવિધાઓ ફળી એક સમયે માત્ર પ્રાથમિક શિક્ષણ માટે જાણીતી પાલિકા આજે માધ્યમિક શિક્ષણમાં પણ ખાનગી શાળાઓને મજબૂત ટક્કર આપી રહી છે. શિક્ષણ કૌશલ્યમાં પારંગત સ્ટાફ અને આધુનિક વહીવટી કાર્યક્ષમતાના કારણે ૨૩૮ જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને સુમન હાઈસ્કૂલોની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે સુમન હાઈસ્કૂલો ખરા અર્થમાં ‘આશાનું કિરણ’ સાબિત થઈ રહી છે.



