ગુજરાત

‘જળબિલાડી’ના સંરક્ષણ અને કૃત્રિમ સંવર્ધનમાં સુરતનું સરથાણા નેચર પાર્ક દેશમાં અવ્વલ:‘સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર’ પ્રજાતિ સુરતનું ગૌરવ

‘જળબિલાડી’ના સંરક્ષણ અને કૃત્રિમ સંવર્ધનમાં સુરતનું સરથાણા નેચર પાર્ક દેશમાં અવ્વલ:‘સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર’ પ્રજાતિ સુરતનું ગૌરવ
સરથાણા નેચર પાર્કમાં વિક્રમી ૬૩ બચ્ચાઓનો સફળ જન્મ: સુરતની ભૌગોલિક પરિસ્થિતિ જળબિલાડીઓ માટે ‘સેફ હેવન’
જળબિલાડીઓ માટે દેશનું મુખ્ય ‘કો-ઓર્ડિનેટિંગ સેન્ટર’ તરીકે પ્રથાપિત સુરતનું ‘સરથાણા ઝૂ’
વર્ષ ૨૦૦૬ના પૂર વખતે કરાયેલા બે જળબિલાડીના રેસ્ક્યુ બાદ સરથાણા નેચર પાર્કમાં ‘સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર’ના સંવર્ધનની શરૂઆત
વર્ષ ૨૦૨૪-‘૨૫માં સરથાણા નેચર પાર્કમાં એક માદા જળ બિલાડી એ સાત બચ્ચાને જન્મ આપ્યો એ સમગ્ર દેશની પ્રથમ વિરલ ઘટના
ગુજરાતના આર્થિક પાટનગર અને ‘ડાયમંડ સિટી’ તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેરે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવાની સાથે-સાથે પર્યાવરણીય સંતુલન અને વન્યજીવ સંરક્ષણમાં પણ રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નદી અને તળાવોના વધતા પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ વન્યજીવ પ્રજાતિ ‘જળબિલાડી’ના સંરક્ષણ અને બંધનાવસ્થા માં સફળ સંવર્ધન માટે SMC સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન (સરથાણા નેચર પાર્ક) દેશભરમાં એક સુરક્ષિત આશ્રયસ્થાન અને અગ્રેસર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. સુરત ઝૂની આ અસાધારણ અને નોંધપાત્ર કામગીરીને સર્વોચ્ચ ગણાવીને ‘કેન્દ્રીય ઝૂ ઓથોરિટી’ દ્વારા જળબિલાડીઓ ના બ્રિડિંગ માટે ‘કો-ઓર્ડિનેટિંગ ઝૂ’ જાહેર કરવામાં આવ્યું છે. જે વન્યજીવ સંવર્ધનની દિશામાં ગુજરાતના અવિરત પ્રયાસોમાં વધુ એક ગૌરવશાળી છોગું ઉમેરે છે.
સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૬માં સુરતમાં તાપી નદીના પૂરમાં અમરોલી વિસ્તારમાંથી બે જળબિલાડીઓને રેસ્ક્યૂ કરાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગે છ મહિના પછી વધુ એક જળ બિલાડી નું રેસ્ક્યૂ કરીને સરથાણા નેચર પાર્કને સોંપ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૮થી સરથાણા નેચર પાર્કમાં સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર(જળ બિલાડી) ના સંવર્ધનની શરૂઆત થઈ હતી. અહીં છેલ્લા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જળબિલાડીઓનું કેપ્ટિવ સંવર્ધન થઈ રહ્યું છે. સુરત ઝૂના આ જળબિલાડી પરિવારમાં અત્યાર સુધીમાં કુલ ૬૩ બચ્ચાઓનો વિક્રમી જન્મ થયો છે.
વધુમાં ‘ વન્ય પ્રાણી વિનિમય પ્રોગ્રામ’ હેઠળ સુરત ઝૂ દ્વારા ભારત ભર ના અન્ય ઝુ માં આપવામાં આવેલી જળબિલાડીઓની અવેજીમાં દેશના મૈસુર, દિલ્હી, રાજકોટ , ચંડીગઢ, ભુવનેશ્વર, નયા રાયપુર અને જામનગરના વનતારા સહિતના જુદા જુદા ઝૂ માંથી સિંહ, વાઘ, સફેદ વાઘ, હિમાલયન રીંછ, વરુ (વુલ્ફ), ઘડિયાળ મગર અને વિરલ મણિપુર ડિયર સહિત પક્ષીઓ અને હરણની વિવિધ પ્રજાતિના દુર્લભ વન્યજીવો સુરત ઝુ માટે મેળવવામાં આવ્યા છે.
જળબિલાડીના સોશિયલ બિહેવિઅર અંગે વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, જળબિલાડીના ગ્રુપમાં એક અલ્ફા મેલ અને અલ્ફા ફિમેલ હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર કુદરતી વાતાવરણ માં જોવા મળે છે તેની વિશેષ કાળજી અને તેમના ખોરાક પર ધ્યાન આપવાથી તથા અહીંનું વાતાવરણ અનુકૂળ હોવાના કારણે સફળ સંવર્ધન થયાનું મુખ્ય કારણ જણાયું છે. સામાન્ય રીતે જળબિલાડીના ગર્ભધાનનો સમય ૬૨થી ૬૫ દિવસનો હોય છે અને એકથી પાંચ બચ્ચાને જન્મ આપે છે. પરંતુ વર્ષ ૨૦૨૪-૨૫માં સરથાણા નેચર પાર્કમાં એક નારી એ સાત બચ્ચાને જન્મ આપ્યો એ સમગ્ર દેશની પ્રથમ વિરલ ઘટના છે. સુરતના સરથાણા નેચર પાર્કમાં જળબિલાડીનું વધુ માં વધુ આયુષ્ય કેપ્ટિવિટી લાઈફ દરમિયાન ૧૭ વર્ષ નોંધાયું છે. પર્યાવરણની દ્રષ્ટિએ નદીની ઇકોસિસ્ટમ માટે જળબિલાડી ‘એન્જિનિયર’ અથવા ‘હેલ્થ ઇન્ડિકેટર’ ગણાય છે. નદીઓનું નિવસનતંત્ર બચાવતી આ જળબિલાડી સાચે જ સુરત માટે ગૌરવ સમાન છે.
દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં ‘વિશ્વ ઓટર દિવસ’ની ઉજવણી કરાઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓ અને તળાવોના પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ પ્રજાતિ ‘જળબિલાડી’(ઓટર)ના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. આવી પરિસ્થિતિમાં સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓનું લાલન-પાલન કરવાની સાથે લુપ્તપ્રાય પ્રજાતિનું વ્યાપક કન્ઝર્વેશન થઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button