ગુજરાત

શ્રી રાજપરા લેઉવા પટેલ મંડળ આયોજિત 34મો સ્નેહમિલન સમારોહ યોજાયો

શ્રી રાજપરા લેઉવા પટેલ મંડળ આયોજિત 34મો સ્નેહમિલન સમારોહ યોજાયો
“વડીલોને માત્ર ભોજનની નહીં, પણ આપણા ભાવની જરૂર હોય છે; પરિવારમાં વડીલોને આદર-સત્કાર મળે તે અત્યંત જરૂરી છે.” – રાજેશ ધામેલિયા
શ્રી રાજપરા લેઉવા પટેલ મંડળનો 34મો સ્નેહમિલન સમારોહ પુષ્ટિ ફાર્મ, કેનાલ રોડ – સુરત ખાતે યોજાયો. આ પ્રસંગે રક્તદાન શિબિર, ઇનામ વિતરણ સમારોહ અને રાસ-ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ મંચસ્થ મહાનુભાવો: શ્રી મૂળજીભાઈ ધામેલિયા, શ્રી રાઘવભાઈ ધામેલિયા, શ્રી નટુભાઈ ધામેલિયા, શ્રી નરેશભાઈ ધામેલિયા વગેરે તેમજ ભોજન અને નોટબુકના દાતાશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ સામાજિક પ્રસંગે સૌએ આદર સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
આ પ્રસંગે નાની બાલિકાઓ: જેની સંજયભાઈ ધામેલિયા અને દુર્વા હસમુખભાઈ ધામેલિયાએ સુંદર વક્તવ્ય આપ્યાં હતાં. આ બંને દીકરીઓને દાતા શ્રી પ્રવીણભાઈ ગોરધનભાઈ ધામેલિયાએ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરી હતી.
આ અવસરે મુખ્ય વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “પ્રચંડ રાષ્ટ્રપ્રેમ એ જાપાનની આગવી ઓળખ છે. ચુસ્ત શિસ્ત માટે ઇંગ્લેન્ડ જાણીતું છે, જ્યારે ભારત પોતાની સંસ્કૃતિ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ વિકસી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે; તેનું સંરક્ષણ કરવું તે આપણી પવિત્ર ફરજ અને જવાબદારી છે. આપણે કૌટુંબિક ભાવના ધરાવીએ છીએ. વડીલોને માત્ર ભોજનની નહીં, પણ આપણા ભાવની જરૂર હોય છે; આથી પરિવારમાં વડીલોને આદર-સત્કાર મળે તે અત્યંત જરૂરી છે. વડીલો આપણી સાચી સંપત્તિ છે. જીવનમાં આનંદિત રહેવા માટે ભૂતકાળની દુ:ખદ પળોને ભૂલી જવી જોઈએ. વડીલોના અનુભવનું ભાથું યુવા પેઢી માટે ખૂબ ઉપયોગી નીવડે છે.” આ તમામ બાબતો તેમણે પ્રેરક વાર્તાઓ દ્વારા સમજાવી હતી.
કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું, સરકારી ખાતામાં નોકરી મેળવનાર ભાવિકાબહેન વિનુભાઈ બેલડિયાનું, આ કાર્યક્રમના તમામ દાતાશ્રીઓનું તેમજ વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને વંદન પૂર્વક યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા સ્ટેન્ડ ગ્રૂપ, યુનિટી ગ્રૂપ અને મંડળ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી; તે સૌનું પણ ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ ભોજન બાદ સમૂહ રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button