ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશને ભવ્ય રીતે ઉજવ્યો 80મો સ્વાતંત્ર્ય પર્વ

ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશને ભવ્ય રીતે ઉજવ્યો 80મો સ્વાતંત્ર્ય પર્વ
વિવિધ સમાજોના આગેવાનો અને હોદ્દેદારોની ઉત્સાહભેર ઉપસ્થિતિ, પોલીસ અધિકારીઓએ સેવાકીય કાર્યોને બિરદાવ્યા
સુરત : સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા નજીક એસોસિએશનના પ્રમુખ અય્યુબભાઈ શેખના નેતૃત્વ હેઠળ દેશનો 80મો સ્વાતંત્ર્ય પર્વ હર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રિજન-2 ટ્રાફિક પોલીસના નિરીક્ષક ડી.જે. ઝાલા તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક આર.એ. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશન દ્વારા બંને મહાનુભાવનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ સુરત શહેર ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ સામાજિક તથા જનસેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અય્યુબભાઈ શેખ દ્વારા કામદાર અને શ્રમિક વર્ગના હિત માટે સતત કરવામાં આવી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ દેશભક્તિનું સાચું સ્વરૂપ છે. સમાજના મહેનતકશ વર્ગની સાથે ઊભા રહેવું, તેમની સમસ્યાઓને સમજવી તથા તેમના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવું ખરેખર પ્રશંસનીય કાર્ય છે.
સમારોહ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ સ્વાતંત્ર્ય પર્વના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે દેશની આઝાદી માત્ર ઉત્સવ ઉજવવાનો પ્રસંગ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો નિભાવવાનો સંકલ્પ લેવાનો પણ દિવસ છે. પરસ્પર ભાઈચારો, સામાજિક એકતા તથા જરૂરિયાતમંદોની સેવા દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.
ટેમ્પો ચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અય્યુબભાઈ શેખે તમામ મહેમાનો, હોદ્દેદારો તથા સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એસોસિએશન હંમેશા ટેમ્પોચાલકો, કામદારો તથા શ્રમિક વર્ગના હિતો અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે સતત કાર્યરત રહેશે. સ્વાતંત્ર્ય પર્વના આ સમારોહમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, ભાઈચારો અને સામાજિક એકતાનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.



