લોક સમસ્યા

શિનોર તાલુકાના દામાપુરા થી ભંડારેશ્વર મહાદેવ જતા રસ્તા ની આજુબાજુના ગીચ ઝાડી ઝાંખરાં મુશ્કેલી રૂપ બન્યા

શિનોર તાલુકાના દામાપુરા થી ભંડારેશ્વર મહાદેવ જતા રસ્તા ની આજુબાજુના ગીચ ઝાડી ઝાંખરાં મુશ્કેલી રૂપ બન્યા
આ વિસ્તારમાં દીપડાની અવરજવર થતી હોવાની ચર્ચા ના કારણે મંદિરે જતા ભક્તોમાં ભયનો માહોલ
શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ભંડારેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના માર્ગની બંને બાજુ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરાં અને વેલાઓ ઊગી નીકળતાં ભાવિક ભક્તો તેમજ નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તથા આ વિસ્તારમાં દીપડાની અવરજવર થતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા હોવાથી મંદિરે દર્શનાર્થે જતા ભક્તોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા પવિત્ર ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિનોર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથનાં દર્શનાર્થે આવતા હોય છે. તાજેતરમાં જ ધારાસભ્ય અક્ષય પટેલ તથા ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત જિલ્લા ભાજપની સમગ્ર ટીમે દાદા ના દર્શન કર્યા હતા, અને ફોટોશેશન પણ કર્યું હતું. ઉપરાંત નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી મંદિર તરફ જવાના માર્ગની બંને બાજુ ગીચ ઝાડી-ઝાંખરાં, કાંટાળી વનસ્પતિ અને વેલાઓ ઊગી નીકળતાં માર્ગ સાંકડો અને અસુરક્ષિત બન્યો છે. ખાસ કરીને પગપાળા જતા શ્રદ્ધાળુઓ, વૃદ્ધો, મહિલાઓ અને પરિક્રમાવાસીઓને વધુ હાલાકી ભોગવવી પડે છે.
વધુમાં આ વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાની ચર્ચાને પગલે સ્થાનિક લોકો અને ભાવિક ભક્તોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે મંદિરે જતા શ્રદ્ધાળુઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
સ્થાનિક પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ તથા પદાધિકારીઓ ભંડારેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના માર્ગનું સ્થળ નિરીક્ષણ કરે, અને માર્ગની બંને બાજુ ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં તથા વેલાઓ પોતાની ફરજ ના ભાગરૂપ દૂર કરી માર્ગ ખુલ્લો અને સુરક્ષિત બનાવે એ જરૂરી છે.
વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે જરૂરી તપાસ અને તકેદારીનાં પગલાં લેવામાં આવે, જરૂરી સ્થળોએ ચેતવણીનાં બોર્ડ મૂકવામાં આવે તથા ભાવિકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઊઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button