કાશીબા ગોટી ટ્રસ્ટના સરસ્વતીધામ નિર્માણયજ્ઞમાં દીપકભાઈ ભેદાનું પ્રેરણાદાયી યોગદાન

કાશીબા ગોટી ટ્રસ્ટના સરસ્વતીધામ નિર્માણયજ્ઞમાં દીપકભાઈ ભેદાનું પ્રેરણાદાયી યોગદાન
12 શાળાભવનોના સંપૂર્ણ નિર્માણખર્ચની જવાબદારી સ્વીકારી
શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં માતબર સખાવત બદલ કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા દીપકભાઈ ભેદાનું ભાવપૂર્વક સન્માન
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા શિક્ષણના માધ્યમથી ગરીબોના ઉત્થાન, રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે દેશભરમાં સરસ્વતીધામ નિર્માણનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસતાં વંચિત બાળકોને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી શાળાભવનો અને છાત્રાલયોના નિર્માણનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ દેશભરમાં 351 સરસ્વતીધામ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અંતર્ગત પ્રત્યેક ભવનના નિર્માણખર્ચની 50 ટકા રકમ શ્રી કેશુભાઈ ગોટી (ટ્રસ્ટ) આપે છે, જ્યારે બાકીની 50 ટકા રકમ સહયોગી દાતાશ્રી દ્વારા આપવામાં આવે છે. શિક્ષણની જ્યોત પ્રગટાવીને રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવાના આ અભિયાનને સમાજના વિવિધ વર્ગોમાંથી ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ શિક્ષણસેવાનો મહાયજ્ઞ 351 સરસ્વતીધામના નિર્માણ બાદ પણ અવિરત ચાલતો રહે તેવા શુભ આશયથી પૂજ્ય મોરારિબાપુએ તુલસીપત્રરૂપે રામકથા અર્પણ કરી છે.
આ પ્રેરણાથી 351 સરસ્વતીધામના પ્રારંભિક સંકલ્પને વધુ વિસ્તૃત કરીને 1008 સરસ્વતીધામના નિર્માણનો જનસંકલ્પ કરવામાં આવ્યો છે. આ નવા સંકલ્પ અંતર્ગત પ્રત્યેક ભવનના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી દ્વારા ઉઠાવવામાં આવશે, જ્યારે ભવનનિર્માણને લગતી તમામ જવાબદારીઓ કાશીબા ગોટી ટ્રસ્ટ સંભાળશે.
શિક્ષણ દ્વારા સમાજપરિવર્તન અને રાષ્ટ્રનિર્માણના આ મહત્ત્વાકાંક્ષી અભિયાનમાં વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ ઉદાર હાથે યોગદાન આપી રહ્યા છે. આ સેવાયજ્ઞમાં ફેંકીન રિયાલિટી, મુંબઈના ચેરમેન શ્રી દીપકભાઈ ભેદાએ કાશીબા ગોટી ટ્રસ્ટની દ્વિમાસિક બેઠકમાં હાજરી આપીને ટ્રસ્ટના વિવિધ અભિયાનો, કર્મયોગી પરિવારની કાર્યપદ્ધતિ અને ગરીબ બાળકોના ભવિષ્ય માટે થઈ રહેલા સેવાકાર્યોને નજીકથી જાણ્યાં હતાં. ટ્રસ્ટના કાર્ય અને કર્મયોગી પરિવારના સમર્પિત સેવાભાવથી પ્રભાવિત થઈને તેમણે એકસાથે 12 સરસ્વતીધામના સંપૂર્ણ નિર્માણખર્ચની જવાબદારી સ્વીકારીને પ્રેરણાદાયી સખાવત કરી છે. તેમનું આ માતબર યોગદાન શિક્ષણસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
શ્રી દીપકભાઈ ભેદાના આ બહુમૂલ્ય યોગદાનને બિરદાવતાં કાશીબા ગોટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટી, ટ્રસ્ટી શ્રી મનહરભાઈ સાસપરા, ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ સિંધી, મહેન્દ્રભાઈ સંગોઈ અને હરેશભાઈ વોરા દ્વારા તેમનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટે તેમની ઉદાર દાનભાવનાની હૃદયપૂર્વક સરાહના કરી હતી.
એક શાળાભવનનું નિર્માણ એટલે માત્ર ઈંટ-સિમેન્ટનું મકાન ઊભું કરવું નહીં, પરંતુ અનેક બાળકોનાં સપનાંને સાકાર થવાની તક આપવી અને રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો મજબૂત બનાવવો. શ્રી દીપકભાઈ ભેદાની આ ઉદાર સખાવતથી અનેક બાળકો માટે શિક્ષણની નવી તકો ઊભી થશે. તેમનું આ પ્રેરણાદાયી યોગદાન અન્ય દાતાઓને પણ શિક્ષણસેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવાની પ્રેરણા પૂરી પાડશે. કાશીબા ગોટી ટ્રસ્ટે શ્રી દીપકભાઈ ભેદા પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓને પણ આ રાષ્ટ્રનિર્માણના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.



