વીજ કટોકટીને પગલે સુરતમાં રોશની શણગાર પર કાપ, ફક્ત ૧૧ બ્રિજ પર જ લાઇટિંગ કરાશે

વીજ કટોકટીને પગલે સુરતમાં રોશની શણગાર પર કાપ, ફક્ત ૧૧ બ્રિજ પર જ લાઇટિંગ કરાશે
વીજ કટોકટી અને વીજળીની બચતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં કરવામાં આવતા રોશનીના શણગારમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે દિવાળીના પર્વ પર મનપા દ્વારા મુખ્ય કચેરી, ઝોન ઓફિસો, આરોગ્ય કેન્દ્રો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટિંગનો ઝગમગાટ કરવામાં આવતો હતો. જોકે, આ વર્ષે વીજળીની બચતના હેતુથી આ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
મનપાના નિર્ણય મુજબ આ વર્ષે શહેરને શણગારવા માટે માત્ર પસંદગીની જગ્યાઓ પર જ લાઇટિંગ કરવામાં આવશે. શહેરના માત્ર ૧૧ બ્રિજ પર જ રોશની કરવામાં આવશે. આ ઉપરાંત શહેરની સજાવટ માટે લગાવવામાં આવતી લાઇટો પણ મર્યાદિત સમય માટે, સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે. જ્યારે દિવાળીના મુખ્ય દિવસે જ આખી રાત લાઇટિંગ ચાલુ રાખવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે મનપાની મુખ્ય કચેરી, ઝોન ઓફિસો અને આરોગ્ય કેન્દ્રો પર દિવાળી નિમિત્તે કરવામાં આવતો લાઇટિંગનો શણગાર કરવામાં નહીં આવે. આમ, વીજળીનો વપરાશ ઘટાડવાની સાથે જાહેર નાણાંની પણ બચત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અગાઉ દિવાળીના લાઇટિંગ પાછળ અંદાજે ૭૨ લાખનો ખર્ચ થતો હતો, જે આ વર્ષે ઘટાડીને માત્ર ૧૨ લાખ કરવામાં આવ્યો છે. એટલે કે મનપા આ વર્ષે અંદાજે ૬૦ લાખની બચત કરશે. સાથે જ મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ પણ ઘટશે. આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે વીજળીની બચત અને ખર્ચમાં કરકસરના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની ઉજવણીનો ઉત્સાહ જળવાઈ રહે અને સાથે બિનજરૂરી વીજ વપરાશ તથા ખર્ચ પર નિયંત્રણ આવે તે દિશામાં મનપાએ આ પગલું ભર્યું છે. આમ, દર વર્ષે દિવાળીમાં ઝગમગતા સુરત શહેરમાં આ વખતે મર્યાદિત લાઇટિંગ જોવા મળશે. તહેવારની રોશની સાથે વીજળી અને જાહેર નાણાંની બચતનો સંદેશ આપવાનો સુરત મનપાનો પ્રયાસ છે.



