સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસની મશરૂમ ઉછેર તાલીમ યોજાઇ
મશરૂમ ઉછેરની વ્યવસાયિક તાલીમમાં ૩૧ તાલીમાર્થીઓએ ભાગ લીધોઃ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા
સુરતઃસોમવારઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સુરતના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસની મશરૂમની ખેતી અંગેની તાલીમ તા.૨૨થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ખાતે યોજાઇ હતી.મશરૂમ ઉછેરની વ્યવસાયિક તાલીમમાં ૩૧ તાલીમાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમના અંતિમ દિવસે સંયુક્ત બાગાયત નિયામકશ્રી એચ. એમ. ચાવડાની ઉપસ્થિતમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ર્ડા. એન. એમ. ચૌહાણે આ વ્યવસાયિક તાલીમમાં ભાગ લઈ રહેલા તાલીમાર્થીઓને મશરૂમ ઉછેર કરી આવક મેળવવા માટે અનુરોધ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ રાઠોડે કહ્યું હતું કે, મશરૂમ ઉછેર પદ્ધતિથી યુવાનો ઓછું રોકાણ કરી રોજગારી ઊભી કરી શકે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) ડો.રાકેશ કે. પટેલે પાંચ દિવસ દરમિયાન તાલીમાર્થીઓને મશરૂમ ઉછેર પદ્ધતિનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું.તાલીમાર્થીઓને મશરૂમની બેગ તૈયાર કરવા સુધીનું પ્રેક્ટીકલ તાલીમ આપી હતી. તાલીમાર્થીઓને વ્યારા અને સુરત ખાતેના ત્રણ મશરૂમ યુનિટની એક્સપોઝર વિઝીટ પણ કરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓએ મશરૂમની વાનગી પૈકી મુશરૂમનું સૂપ તૈયાર કરી સેવન કર્યું હતું.
આ અવસરે વેસુ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ. સી. વાળા, દક્ષિણ ગુજરાતમાં મશરૂમ ઉત્પાદન ક્ષેત્રના પ્રગતિશીલ ઉદ્યોગ સાહસિકો શ્રી ચેતનભાઇ મિસ્ત્રી, શ્રીમતી અંજનાબેન ગામીત અને શ્રી રવિભાઈ સોલિયા,નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી એન. જી. ગામીત, નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન વૈજ્ઞાનિક (જુવાર) ર્ડા. બી. કે. દાવડા ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી શ્રી ડી. કે. પડાળીયા એ મશરૂમ ઉછેર અંગે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
————————————————————————————————————————–
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઈસ્ટર (ઢીંગરી) મશરૂમ સફળતાપૂર્વક ઉછેરી શકાયઃ
મશરૂમ ખાઈ શકાય તેવી એક જાતની ફૂગ છે. મશરૂમના ઉત્પાદન માટે જમીન કે ખેતરની તથા સૂર્યપ્રકાશની જરૂરિયાત રહેતી નથી. મશરૂમનું ઉત્પાદન ઘરમાં પણ લઈ શકાય છે. ખેતીના પાકો જેવા કે ડાંગર, ઘઉં વગેરેમાં દાણાનું ઉત્પાદન લઈ લીધા પછી તેની અન્ય પેદાશો એટલે કે પરાળનો ઉપયોગ મશરૂમ ઉત્પાદનના માધ્યમ તરીકે કરી શકાય છે. મશરૂમ ઊંચી ગુણવત્તા ધરાવતું પ્રોટીન છે. મશરૂમમાં વિટામીન બી અને સી હોય છે, આ ઉપરાંત તેમાં પોટેશિયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં તથા સોડિયમનું પ્રમાણ નહીવત હોય છે. મશરૂમ ઓછી કેલેરી ધરાવતું તથા કોલેસ્ટ્રોલ અને સ્ટાર્ચ વગરનો ખોરાક છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઈસ્ટર (ઢીંગરી) મશરૂમ સફળતાપૂર્વક ઉછેરી શકાય છે.