સુરતની પીડિત મહિલાઓના જીવનમાં નવી આશાનું કિરણ બનીને આવી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન
વર્ષ ૨૦૨૩ દરમિયાન સુરત શહેર-જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓએ કોલ કરી અભયમ હેલ્પલાઈનની મદદ માંગી

સુરતઃસોમવાર: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહવિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા તા.૮મી માર્ચ-૨૦૨૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી હતી, જે આજે પણ અવિરતપણે મહિલાઓની મદદગાર બની રહી છે. મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડતી ૧૮૧ સેવા મહિલાઓ માટે સંજીવની સમાન બની છે.
પીડિત મહિલાઓ માટે ૧૮૧ સેવા એક સાચી સાહેલી તરીકે દિન-પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે, ત્યારે વર્ષ ૨૦૨૩ દરમિયાન મહિલા હેલ્પ લાઈનમાં સહાયતા માટે સુરત શહેર-જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાં ઘરેલું હિંસાના ૭,૩૦૨, માનસિક હેરાનગતિના ૧,૮૨૧, લગ્નજીવનના વિખવાદોના ૧,૦૬૬, કાનૂની માર્ગદર્શનના ૫૩૨, કસ્ટડી ૨૪૨, અન્ય સબંધને કારણે વિખવાદના ૧,૦૬૬, માલ-મિલકતના ૧૨૪, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૩૦૩, મહિલા કર્મચારીના ઈસ્યૂના ૨૨૧, પેરેન્ટીગ બાબતના ૧૫૫, માનસિક અસ્થિરતા અથવા મનોરોગીના ૧૪૧, માનસિક તણાવના ૯૧, સિનીયર સિટીઝનના ૩૫ કોલ આવ્યા હતા, જેમાંથી ૨,૪૪૮ જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા કરવામાં આવી હતી. જ્યારે બાકીના કિસ્સામાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ૧૮૧ સેવા મદદરૂપ બની છે.