૧૨ બાયોસીએનજી કાર ની ‘અમૂલ ક્લીન ફ્યુઅલ રેલી’ સુરતથી નીકળી
- ૧૨ બાયોસીએનજી કાર ની ‘અમૂલ ક્લીન ફ્યુઅલ રેલી’ સુરતથી નીકળી
- ડૉ. વર્ગીસ કુરિયનના સન્માનમાં તેમની જન્મજયંતિ નેશનલ મિલ્ક ડે તરીકે મનાવાય છે. આ દિવસે એટલે કે તા. 26 નવેમ્બરના રોજ આ રેલી આણંદ આવી પહોંચશે
સુરત: તા. 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે “અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” બુધવાર ના રોજ વલસાડ અને સુરત શહેરની મુલાકત લઈને નીકળી. આ ૧૨ બાયોસીએનજી કાર ની રેલી મુંબઈ અને ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પ્રવાસ કરીને તા. 26 નવેમ્બરના રોજ આણંદમાં પહોંચશે અને ત્યાં રેલીનું સમાપન થશે. 26 નવેમ્બર, ડૉ.વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.
દેશમાં ડેરી ક્રાંતિના પ્રતિક તરીકે અને સરક્યુલર ઈકોનોમિ તથા સસ્ટેનેબલ ફાર્મિંગ (આત્મનિર્ભર ખેતી) માટેની કટિબધ્ધતા વ્યક્ત કરવા માટે યોજાયેલી આ રેલીને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન) ના મેનેજિંગ ડિરેકટર શ્રી જયેન મહેતા, મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ડિરેકટર (સસ્ટેઈનેબિલિટી) શ્રી કેનીચીરો તોયોફુકુ, ડૉ.વર્ગીસ કુરિયનના દીકરી નિર્મલા કુરિયન એ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે અમૂલ ફેડરેશન અને મારૂતિ સુઝુકી ઈન્ડિયાના અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમૂલ ક્લીન ફ્યુઅલ કાર રેલી 22મી નવેમ્બર (બુધવાર) ના રોજ વલસાડ વસુધરા ડેરી ખાતે પહોંચી હતી. વસુધરા ડેરીના એમડી અને ચેરમેન બંનેએ આ પ્રસંગે હાજરી આપી હતી અને “અમૂલ ક્લીન ફ્યુઅલ રેલી” ના સહભાગીઓને આવકાર્યા હતા. વસુધરા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલે ડૉ. વર્ગીસ કુરિયન સાથે કામ કરવાના તેમના અનુભવો જણાવ્યા. વસુધરા ડેરીના એમડી શ્રી નરેન્દ્ર વશીએ વસુધરા ડેરીના ખેડૂતો દ્વારા બાયોગેસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલી પહેલ વિશે વાત કરી હતી.
રેલી સુરત ડેરી અને ત્યારબાદ વાસ્કુઈ બાયો ગેસ પ્લાન્ટ સુધી આગળ વધી હતી, ત્યાં સુરત ડેરીના ચેરમેન શ્રી મનસિંહભાઈ કે પટેલ અને એમડી શ્રી અરુણ પુરોહિતે ડેરી ઉદ્યોગમાં પરિપત્ર અર્થતંત્ર અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે બાયોગેસના ફાયદા શેર કર્યા.
ગાયના છાણનું ઓર્ગેનિક ખાતર અને બાયોફ્યુઅલમાં રૂપાંતરિત કરવાનો આ નવતર પ્રયાસ ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આત્મનિર્ભર સરક્યુલર ઈકોનોમિનુ નિર્માણ કરશે. આ ઉપરાંત પોષણયુક્ત ઉત્પાદનોનુ નિર્માણ કરીને ખેડૂતોનું સશક્તિકરણ કરાશે અને એ દ્વારા પર્યાવરણ અને ભાવિ પેઢીના વિકાસમાં યોગદાન પ્રાપ્ત થશે.
“અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” ગુરુવારે ભરૂચ આવી પહોંચશે. તા. 26 નવેમ્બરે આણંદ પહોંચતાં પહેલાં આ રેલી, 1400 કિ.મિ.થી વધુ અંતર કાપીને વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ કરશે.
આ રેલીનો ઉદ્દેશ ભારતના ડેરી ક્ષેત્રનુ પર્યાવરણલક્ષી પાસુ દર્શાવવાની સાથે સાથે વર્ષ 2030 સુધીમાં વિશ્વના દૂધ ઉત્પાદનમાં 33% યોગદાન આપીને “વિશ્વની ડેરી” બનવા અંગેનો નિર્ધાર વ્યક્ત કરવાનો છે.”
ડૉ. કુરિયનની આગેવાની હેઠળ “શ્વેત ક્રાંતિ” અને 1970માં શરૂ કરાયેલા “ઓપરેશન ફ્લડ” ના અમૂલ મોડેલ મારફતે છેલ્લા 75 વર્ષમાં લાખો ખેડૂતો માટે કાયમી અને ટકાઉ આવક ઉભી કરવાની કામગીરી કરવામાં આવી છે. ભારતે દૂધની અછત ધરાવતા દેશમાંથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે. ડૉ. કુરિયને ડેરી વિકાસમા અમૂલ મોડેલનું દેશમાં વિવિધ ડેરી સહકારી બ્રાન્ડ મારફતે ઠેર ઠેર પુનરાવર્તન કર્યુ છે અને એના દ્વારા ભારતનો ડેરી ઉદ્યોગ વધુ સક્ષમ અને મજબૂત બન્યો છે.
140 કરોડ ભારતીયો માટે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થઈ છે અને જેમના પ્રયાસોથી ભારત ડેરી ઉદ્યોગમાં આત્મનિર્ભર બની શકયુ છે તેવી ડેરી ક્ષેત્રની કરોડો મહિલાઓને નેશનલ મિલ્ક ડે સમર્પિત કરવામાં આવે છે.
અમૂલ એ ભારતની સૌથી મોટી રૂ.72,000 કરોડ (9 અબજ ડોલર)નુ મૂલ્ય ધરાવતી એફએમસીજી બ્રાન્ડ છે અને 36 લાખ ખેડૂતો તેના માલિક છે, જે દૈનિક 300 લાખ લીટર દૂધનુ યોગદાન આપે છે. 100 ડેરી, 85 સેલ્સ ઓફિસો, 15,000 વિતરકો, અને 10 લાખ રિટેઈલર્સનો સમૂહ ધરાવતી અમૂલ 50થી વધુ દેશમાં વાર્ષિક 20 અબજ પેકેટ ડેરી પ્રોડકટસનુ વિતરણ કરે છે.