Ayushman Card: આયુષ્યમાન કાર્ડ થકી મહુવા તાલુકાના ઉમરા ગામના ૫૫ વર્ષીય કમળાબહેન પટેલની નિ:શુલ્ક બાયપાસ સર્જરી
આયુષ્માન કાર્ડ થકી આરોગ્ય સેવામાં નડતાં ગરીબી નામક રોગનો રામબાણ ઇલાજ
આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી સાવ નિ:શુલ્ક થતાં પત્નિને નવું જીવન મળ્યુઃ
સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
સુરત:બુધવાર: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ આરોગ્યલક્ષી યોજના અમલી બનાવી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહુવા તાલુકાના ઉમરાગામના નદી ફળિયામાં રહેતાં ઉતમભાઇ ગુલાબભાઇ પટેલના પત્નિ કમળાબહેનને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ મેળવ્યો છે.જેનાથી તેમના પતિનું ભારણ ઓછું થયું હતું.
‘સરકારે અમને સહાય કરી ન હોત તો આજે મારી પત્નિ હયાત ન હોત’ આ લાગણીભીના શબ્દોથી ઉતમભાઇ પટેલ જણાવે છે કે, મારો મધ્યવર્ગીય પરિવાર છે.ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું.અમારો પરિવાર સુખેથી જીવન જીવી રહ્યા હતા.એવામાં મારી પત્નિને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, જ્યાં સારવાર કરતાં ડોક્ટરોએ તાકીદે બાયપાસ સર્જરીની જરૂરિયાત હોવાનું કહ્યું. બાયપાસ સર્જરીનો મોટો ખર્ચ થશે તો આટલા રૂપિયા ક્યાંથી લાવીશ એની ચિંતા સતાવતી હતી, ત્યારે આવા મુશ્કેલ સમયમાં મારી વ્હારે આયુષ્માન કાર્ડ આવ્યું. હોસ્પિટલમાં આ યોજનાના કાઉન્ટર પર આરોગ્યમિત્રને મળ્યાં અને કાર્ડ બતાવ્યું તો તેમણે કહ્યું કે, તમારા પત્નિની બાયપાસ સર્જરીની સંપૂર્ણ સારવાર ‘મા’ યોજના હેઠળ વિનામૂલ્યે થઈ જશે.
“મા’ યોજના ના હોત તો હું કદાચ સારવાર જ ન કરાવી શકી હોત એવી લાગણી વ્યક્ત કરતાં કમળાબેન પટેલે જણાવ્યું કે, બાયપાસ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને છેલ્લે રજા આપવામાં આવી ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક મળી છે. મારી પાસે એક પણ રૂપિયાની માંગણી કરવામાં આવી ન હતી. બાયપાસ સર્જરીએ મારા પરિવારને મોટા આર્થિક બોજથી બચાવી લીધા અને આજે તેઓ ખુબ જ સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે,સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ છે. આયુષ્માન કાર્ડ થકી બાઇપાસ સર્જરી કરવાનું શક્ય બન્યું છે.તે બદલ અમે સરકારનો હદય પુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.