પ્રાદેશિક સમાચાર

અંગદાનમાં ખ્યાતિપ્રાપ્ત સુરત શહેરમાં વધુ એક અંગદાન

 • અંગદાનમાં ખ્યાતિપ્રાપ્ત સુરત શહેરમાં વધુ એક અંગદાન
 • રાજભર પરિવારે અંગદાન કરીને માનવતા સાર્થક કરી
 • બ્રેઈનડેડ ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભરના લિવર, બે કિડની અને આંતરડાના દાનથી માનવતા મહેંકી
 • સુરત સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું
 • મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરી કારખાનામાં નોકરી કરતા પ્રિતેશનું બાઈક સ્લિપ થતા થયો હતો અકસ્માત
 • સિવિલ હોસ્પિટલથી બીજી વાર આંતરડાનું દાન
  સુરતઃ  દાનવીરોની ભૂમિ સુરતના નાગરિકો દેશભરમાં આફતોના સમયે અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન કરીને મદદરૂપ થાય છે, ત્યારે આજે સુરત શહેરે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અહીં અઠવાડિયામાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા હોય છે.
  મિની ભારત તરીકે ઓળખતા સુરત શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ રાજભર પરિવારે પૂરૂ પાડ્યું છે.
  સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભર તા.૩૦મી એપ્રિલ, રવિવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત તા.૨જીએ રાત્રે ૧૦.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ ખાતે સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નિર્મલાબેન તથા ગુલાબભાઈએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે, જે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે.
  સ્વ.પ્રિતેશ મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપૂર જિલ્લાના ગોતવા ગામના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી.
  આજે સિવિલ હોસ્પિટલના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ અને સ્વયંસેવકોની મહેનતથી અંગદાન સફળતાપૂર્વક થયું હતું.
  વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૨મું ઓર્ગન ડોનેશન થયું હતું. આજદિન સુધી ૬૩ અંગોનું દાન કરાયું છે, જેમાં ૧૮ લીવર, ૩૮ કિડની, ૩ હાથ, ૧ સ્વાદુપિંડ અને બે નાના આંતરડાને દેશભરના વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
  આમ, રાજભર પરિવારે ‘મહાદાન અંગદાન’થી અન્ય ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button