આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરતી રંગોળી તૈયાર કરીને દીકરી ક્રિષ્નાએ આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું
મહુવા તાલુકાના અંધાત્રી ગામની દિકરી ક્રિષ્નાબેન ચૌધરી રંગોળી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકી
સુરત:મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અને રાજ્ય એન.એસ.એસ.એલ. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી તા. ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન કરવામાં આવી હતી. આ ઉજવણીને અનુલક્ષીને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જુદી-જુદી ૮ સ્પર્ધાઓમાં એન.એસ.એસ. સંલગ્ન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જુદી-જુદી કોલેજના કુલ ૩૧ સ્વયંસેવકો/સેવિકાઓએ ભાગ લીધો હતો. જેમાંથી રંગોળી સ્પર્ધામાં મહુવા તાલુકાના સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલની દ્વિતીય વર્ષ બી.એ. ની વિદ્યાર્થીની કુ. ક્રિષ્ના જગદીશભાઈ ચૌધરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. મહુવા તાલુકાની દીકરી ક્રિષ્નાએ આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરતી રંગોળી તૈયાર કરી હતી.
રાજ્યકક્ષાએ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને મહુવા તાલુકાના અંધાત્રી ગામની દીકરી ક્રિષ્નાએ આદિજાતિ સમાજનું નામ રોશન કર્યુ છે. ક્રિષ્નાની આ ઉપલબ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. પ્રકાશચંદ્રએ શુભેચ્છાઓ પાઠવી હતી.