મજુરાગેટ આઈટીઆઈના તાલીમાર્થી ધારિત જસાણીએ ‘India Skills-2024’ સ્પર્ધામાં રિન્યુએબલ એનર્જી સ્કીલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Surat News: સુરત સોમવાર મજુરાગેટ આઈ.ટી.આઈ.ના સોલાર ટેકનિશીયન ટ્રેડના તાલીમાર્થી ધારિત જસાણીએ નવી દિલ્હીમાં યોજાયેલી India Skills-2024 સ્પર્ધામાં રિન્યુએબલ એનર્જી સ્કીલ્સમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
India Skills સ્પર્ધા, જે ભારતના યુવાઓની દક્ષતા અને કલ્પનાશક્તિમાં વધારો કરવા તેમજ તેમને કૌશલ્ય ક્ષેત્રે નવી ઉડાન આપવા માટે દર બે વર્ષે આયોજિત થાય છે તેમાં ધારિતે સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર શ્રી જી.કે. જરીવાલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કારપેન્ટર બ્યુટીપાર્લર જ્વેલરી ડિઝાઇન ઈલેક્ટ્રીશિયન સોલાર ઓટોમોબાઇલ મેન્યુફેક્ટરિંગ જેવી ૨૨ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આઈ.ટી.આઈ. લેવલથી શરૂ કરીને જિલ્લાકક્ષા રાજ્યકક્ષા અને અંતે India Skills-2024ના રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં જીતીને ધારિત જસાણીએ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
આ સિદ્ધિ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યે અભિનંદન પાઠવ્યા છે અને આ સફળતાને સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત ગણાવી છે.