કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિ-૨૦૨૩ની બેઠક યોજાઈ
સુરત:મંગળવાર: જિલ્લા સેવા સદન, અઠવાલાઈન્સ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિ-૨૦૨૩ની બેઠક યોજાઈ હતી. પ્રવાસન સમિતિની ભલામણ હેઠળ વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ માટે મંગાયેલી ગ્રાન્ટની દરખાસ્ત વિષે વિગતે ચર્ચા કરાઈ હતી. સુરત શહેરના મુખ્ય માર્ગ સાથે જોડતા એસ.કે. નગરથી ડુમ્મસ બીચ સુધીના અગત્યના વિસ્તારો પર પ્રજાની સુરક્ષાના હેતુસહ સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટેની ગ્રાન્ટને બહાલી આપવામાં આવી હતી.
કલેકટરશ્રી દ્વારા મહુવા અને માંગરોળના વિવિધ સ્થળોના વિકાસકાર્યો માટે દરખાસ્ત થયેલી ગ્રાન્ટની રકમમાં કરવા માંગતા કાર્યોના વિસ્તૃત વર્ગીકરણની માંગણી કરવામાં આવી હતી. સાથે જ તેમણે વિવિધ વિભાગોને જરૂરી સલાહ-સૂચન કરી પેન્ડિંગ દરખાસ્તો પર તાકીદે અમલીકરણની સૂચના આપી હતી.
ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી ફાળવાઈ ચૂકેલી ગ્રાન્ટ આધારે થયેલા વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સુવાલી બીચ ખાતે રોડ, શૌચાલય તેમજ રેસ્ટ હાઉસ સહિતના વિકાસકાર્યો અને તેની ગ્રાન્ટ અંગે ચર્ચા કરાઈ હતી. ધારાસભ્યની ભલામણથી સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ યોજવા માટે જરૂરી પાસાઓ અંગે વિચાર-વિમર્શ કરાયો અને ડભારી તેમજ અનાવલ દરિયા કિનારાના વિકાસકામોની ચર્ચા પણ કરાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે. વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા સહિત માર્ગ-મકાન વિભાગ અને જિલ્લા પ્રવાસન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સહિત અન્ય વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.