માંડવી તાલુકાના ઈસર ગામના દિવ્યાંગ હસમુખભાઈ ચૌધરીને વિનામૂલ્યે ટ્રાઈસિકલ મળતા ચહેરા પર રોનક ખીલી ઉઠી
——–
સરકારે ઘરઆંગણે ટ્રાઈસિકલ આપીને શરીરનું એક અંગ આપ્યું હોય એવી અનુભૂતિ થઈ: લાભાર્થી હસમુખભાઈ ચૌધરી
———
સુરતઃસોમવારઃ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની એડિપ યોજના અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગનિર્માણ નિગમ (એલિમ્કો) દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ આશ્રમ શાળા ખાતે આયોજિત કેમ્પમાં માંડવી તાલુકાના ઈસર ગામના દિવ્યાંગ લાભાર્થી હસમુખભાઈ ચૌધરીને ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવી હતી. ટ્રાઈસિકલ મળતા દિવ્યાંગ હસમુખભાઈના ચહેરા પર રોનક ખીલી ઉઠી હતી.
હસમુખભાઈ ચૌધરીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હું ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કરીને ઈલેક્ટ્રોનિકસ વેચાણ અને રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયો હતો. વર્ષ ૨૦૦૯માં ઈલેક્ટ્રીકનું કામ કરતા સમયે અકસ્માતે શોક લાગતા મારા શરીરના ૯૦ ટકા અંગો નિષ્ક્રિય થઈ ગયા અને મણકામાં ફ્રેક્ચર થઈ જતા જીવનભર માટે દિવ્યાંગ બન્યો, પણ હું મનથી ક્યારેય હિમ્મત નથી હાર્યો. શરીરના મહત્વના અંગો કાર્ય ન કરતા ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. રૂટિનના તમામ કાર્યમાં ઘરના સદસ્યોનો સહારો લેવો પડે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ખૂબ મુશ્કેલી અનુભવતો હતો. પરંતુ આજે સરકારે મને ઘરઆંગણે ટ્રાઈસિકલ આપીને શરીરનું એક અંગ આપ્યું હોય એવી અનુભૂતિ થઈ રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, પરિવારમાં બે બાળકો અભ્યાસ કરે છે અને પત્ની છૂટક મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. સાતેક વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય માટે ઈલેક્ટ્રોનિક કીટ આપીને મારા જેવા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગોને સહકાર આપ્યો છે. દિવ્યાંગો માટેની ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન યોજના હેઠળ દર મહિને રૂ.૧૦૦૦ની સહાય મળી રહી છે, જેનાથી પરિવારને આર્થિક પીઠબળ મળી રહ્યું છે. દેશના વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગ નામ આપીને દિવ્યાંગજનોને એક અનન્ય ઓળખ આપી છે, જે આવનારી પેઢી ક્યારેય નહીં ભૂલી શકે તેમજ અમારા જેવા દિવ્યાંગોની ચિંતા કરી એ બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયમી ઋણી રહીશું.
નોંધનીય છે કે, માંડવીના સઠવાવ ખાતે સાધનસહાય કેમ્પમાં બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે ૬૯ દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાયસીકલ, વ્હીલચેર, બીટીપી સાંભળવાનું મશીન, MSIEED કીટ, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્સ, સ્માર્ટ ફોન સહિત વિવિધ કુલ-૧૨૪ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
00000