પ્રાદેશિક સમાચાર

રૂ.૯૦ કરોડના ખર્ચે કડોદરા ખાતે નવનિર્મિત ‘કડોદરા અંડરપાસ’નું લોકાર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

રૂ.૯૦ કરોડના ખર્ચે કડોદરા ખાતે નવનિર્મિત ‘કડોદરા અંડરપાસ’નું લોકાર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

વાહનવ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે બ્રિજ: અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે:

વસ્તી અને ટેકનોલોજીના વિસ્તરણ સાથે પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા કડોદરામાં ‘CCTV કેન્દ્ર’ની સ્થાપનાનું કાર્ય પ્રશંસનીય:
નાણામંત્રી કનુભાઈ દેસાઈ

‘કડોદરા અંડરપાસ’ અને ‘CCTV કંટ્રોલ રૂમ’ સરકારના વિવિધ વિભાગોના સામૂહિક પ્રયત્નો વડે નાગરિકોની સુખ-સુવિધા-સુરક્ષા વધારતા ઉત્કૃષ્ટ પ્રકલ્પો
૨૪ કલાક સી.સી.ટી.વી સર્વેલન્સને કારણે પોલિસ વિભાગ કાયદો-વ્યવસ્થા અને જનસુરક્ષાની કામગીરી વધુ સુદ્રઢ અને સક્ષમ રીતે કરી શકશે
આગામી સમયમાં જિલ્લાના નાગરિકોને સરકારી કચેરીઓ, બ્રિજ અને રોડના નવા અને આધુનિક પ્રોજેકટોની રૂ.૩૧૨ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરત:રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના કડોદરા ખાતે રૂ.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કડોદરા અંડરપાસ’ નું નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. સાથોસાથ કડોદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન, અંત્રોલી ખાતે રૂ.૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક અત્યાધુનિક ‘CCTV સર્વેલન્સ કેન્દ્ર’ને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ખૂલ્લું મૂક્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલી-કડોદરા જતાં આવતા વાહનોને લાંબા સમયથી નડતી ટ્રાફિકની સમસ્યાનાં સમાધાન રૂપે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઇન રોડથી ૧.૪૫ મીટર નીચો અને ૯૩૫ મીટર લાંબો અંડરપાસ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે, જેના કારણે સુરત-બારડોલીના અંદાજે ૨૫ લાખ લોકોને સરળ આવાગમનમાં લાભકારી સાબિત થશે, જ્યારે ‘CCTV સર્વેલન્સ કેન્દ્ર’ સ્થાનિક કડોદરા વિસ્તારની સુરક્ષા અને સલામતી માટે આશીર્વાદરૂપ બનશે.
આ પ્રસંગે નાણામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કડોદરા અને આસપાસના વિસ્તારોનાં રહીશો અને વાહનચાલકોની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણરૂપે ‘કડોદરા અંડરપાસ’ બ્રિજનું નિર્માણ કરાયું છે. બ્રિજ વાહનવ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે, ત્યારે કડોદરા અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારો સહિત વાહનચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે.
મંત્રીશ્રીએ વસ્તી અને ટેકનોલોજીના વિસ્તરણ સાથે પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા કડોદરામાં તૈયાર કરાયેલા ‘CCTV કેન્દ્ર’ની સ્થાપના બદલ પોલિસ વિભાગ અને નગરપાલિકાને બિરદાવ્યા હતા અને હંમેશા પ્રજાની સુખાકારીને સર્વોપરિ રાખી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કડોદરાને સુરતની ઔદ્યોગિક ભૂમિની ઉપમા આપતા જણાવ્યું કે, આ વિસ્તારમાં રોજગારી અર્થે આવીને વસતા અનેક પરપ્રાંતિય લોકોને નેશનલ હાઇવે નં. ૪૮ પર સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાને પરિણામે ધંધા-વ્યવસાયની સાથે ઈમરજન્સીનાં સમયે એમ્બ્યુલન્સની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાય છે, ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યાઓને નિવારવા ‘કડોદરા અંડરપાસ’ અને ‘CCTV કંટ્રોલરૂમ’ના નિર્માણને વિવિધ વિભાગોના સામૂહિક પ્રયત્નો વડે નાગરિકોની સુખ-સુવિધા-સુરક્ષા વધારતા ઉત્કૃષ્ટ પ્રકલ્પો ગણાવ્યા હતા.
ગૃહમંત્રીશ્રીએ ટુંકા સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંડરપાસના નિર્માણની સરાહના કરતા જણાવ્યું હતું કે, તેમણે કડોદરા સ્માર્ટ પોલિસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલા ‘CCTV સેન્ટર’ દ્વારા સમગ્ર કડોદરા વિસ્તારની સુરક્ષાની ખાતરી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૪ કલાક સી.સી.ટી.વી સર્વેલન્સને કારણે પોલિસ વિભાગ કાયદો-વ્યવસ્થા અને જનસુરક્ષાની કામગીરી વધુ સુદ્રઢ અને સક્ષમ રીતે કરી શકશે.
તેમણે કહ્યું કે, સુરત જિલ્લામાં રૂ.૨૪૪ કરોડના ૩૩ રોડ, આશરે ૭૦ કરોડમાં ૨ બ્રિજ અને ૬૭ કરોડમાં ૪ નવી સરકારી કચેરીઓ સહિતના કાર્યો પૂર્ણ થયા છે, જ્યારે રૂ.૩૧૨ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે. જેમાં રૂ.૧૧૦ કરોડના ખર્ચે ૭ નવી સરકારી કચેરીઓ, રૂ.૭૦ કરોડના ખર્ચે ૩ નવા બ્રિજ, અને રૂ.૧૩૨ કરોડના ખર્ચે ૧૨ નવા રોડના પ્રોજેકટો લોકાર્પિત થશે.
આ વેળાએ મંત્રીશ્રીઓ દ્વારા કડોદરા ચોકડી પાસે સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું, તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઇ, મોહનભાઈ ઢોડિયા, ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, કડોદરા નગરપાલિકા પ્રમુખશ્રી કલ્પેશભાઈ, પ્રાદેશિક ન.પા.કમિશનરશ્રી ડી.ડી.કાપડિયા, અગ્રણીઓ યોગેશભાઈ અને જગદીશભાઇ પટેલ તેમજ પોલિસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button