ધર્મ દર્શન

Greenman Viral Desai: ગ્રીનમેન વિરલ દેસાઈ ‘ટ્રી ગણેશા’ના માધ્યમથી ચલાવે છે સ્વચ્છતા જાગૃતિ અભિયાન

સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ ફેલાવતા સુરતના અનોખા ‘ટ્રી ગણેશા’

ગણેશોત્સવના દસ દિવસમાં હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની જાગૃતિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ
સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં સરકારના વિવિધ વિભાગો જોડાયા છે, એનો અત્યંત આનંદ છે’:

ગ્રીનમેન વિરલભાઈ દેસાઈ

સુરતઃગુરૂવારઃ ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની સાથોસાથ સ્વચ્છતા અને પયાવરણ સંરક્ષણ જાગૃતિ અભિયાનના રૂપમાં ઉજવી રહ્યા છે. તેમના પ્રયાસોથી ‘ટ્રી ગણેશા’ના નામે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ પામેલો આ ગણેશ મહોત્સવ યુવાનો, બાળકોમાં અત્યંત લોકપ્રિય છે, જ્યાં દસ દિવસ સુધી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા, પર્યાવરણના જતન-સંવર્ધન અંગે સંવાદ સાધી જ્ઞાનવર્ધન કરવામાં આવે છે.
દર વર્ષે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની આગવી થીમ માટે જાણીતા ‘ટ્રી ગણેશા’ની આ વર્ષની થીમ છે ‘અમૃત્તપથ’ જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં લેવામાં આવેલા પર્યાવરણીય પગલાં લેવાયા છે, એ વિશેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને અને પર્યાવરણપ્રેમી યુવાનોને આપવામાં આવે છે. ‘ટ્રી ગણેશા’ના પંડાલમાં પ્રવેશ કરતા જ એક મોટા વૃક્ષની ડાળીઓમાં ગણેશજીને સ્થાપિત કરવામાં આવ્યા છે અને વૃક્ષપ્રતિમાનું સર્જન કરીને સંદેશ આપવામાં આવ્યો છે કે, આપણી આસપાસ રહેલા વૃક્ષોનું પણ અતિ મહત્વ રહ્યું છે. વૃક્ષો માનવજીવનનો આત્મા અને પ્રાણ છે. વૃક્ષો હવા પ્રદૂષણને ઘટાડી સુખાકારીમાં વધારો કરે છે. ખાસ કરીને ગણેશજીને વૃક્ષમાં સ્થાપિત કરીને નદી, સરોવર કે તળાવનું પાણી સ્વચ્છ રાખવું એ જ આપણી સહિયારી જવાબદારી છે.
મુખ્ય મંચ પાસેના તોતિંગ હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે, ‘સેફ ઈન્ડિયા, ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’..! આ ગણેશ પંડાલમાં ૩૬૦ ડિગ્રીએ સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં માત્ર જમીનની જ નહીં, પરંતુ પાણી, હવા અને ગ્લોબલ ક્લાઈમેટની સ્વચ્છતા પર પણ અત્યંત ભાર આપવામાં આવ્યો છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પંડાલની બંને તરફથી દીવાલો પર ભારત સરકારે પાછલા દસ વર્ષોમાં કરેલા પર્યાવરણીય અને સ્વચ્છતાના કાર્યની વિગતો વિસ્તૃત આંકડાકીય માહિતી સાથે મૂકવામાં આવી છે. જેમાં ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’થી લઈ ‘નેશનલ ક્લિન એર પ્રોગ્રામ’ તેમજ ‘મિશન લાઈફ’ જેવી કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓની ઝાંખી કરાવવામાં આવી છે.
આ વર્ષે ‘ટ્રી ગણેશા’ સાથે રાજ્ય સરકારના ત્રણ વિભાગો જોડાયા છે, જેમાં સુરત પોલીસ, ગુજરાત વન વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે, આ સંદર્ભે વિરલ દેસાઈ કહે છે કે, ‘ટ્રી ગણેશા’ હવે ગણેશોત્સવમાં મહત્વની બ્રાન્ડ બની ગયું હોય એ રીતે લોકપ્રિય થયું છે, જ્યાં દસ દિવસ સુધી હજારો વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા તેમજ પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની જાગૃતિ લાવવાનો પ્રયત્ન થાય છે. અમારા અભિયાનમાં સરકારના વિવિધ વિભાગો જોડાયા છે એનો અમને વિશેષ આનંદ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button