સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીમાં 3 મુસાફર બાદ ઈમિગ્રેશન PSIની ધરપકડ, શૌચાલયમાં વધુ 4.67 કિલો સોનું મળ્યું; અત્યાર સુધી 25.26 કરોડની 48.20 કિલો પેસ્ટ મળી
સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીમાં 3 મુસાફર બાદ ઈમિગ્રેશન PSIની ધરપકડ, શૌચાલયમાં વધુ 4.67 કિલો સોનું મળ્યું; અત્યાર સુધી 25.26 કરોડની 48.20 કિલો પેસ્ટ મળી
સુરત એરપોર્ટ પર બે દિવસ પહેલાં શારજાહથી આવેલા ત્રણ મુસાફર પાસેથી 43.5 કિલોથી વધુ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની તપાસમાં વધુ એક નવો ખુલાસો થયો છે. આ સાથે જ DRIની તપાસમાં એરપોર્ટના શૌચાલયમાંથી વધુ 4.67 કિલો સોનું મળી આવ્યું હતું. જેથી કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવતા ઈમિગ્રેશન PSIની પણ ધરપકડ કરી છે. આજે ચારેય આરોપીઓને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(DRI)ના જણાવ્યા પ્રમાણે, ચોક્કસ બાતમીના આધારે, DRIના અધિકારીઓએ 7 જુલાઈના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજાહથી આવતા 3 મુસાફરોને ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું લાવતા હોવાની શંકામાં અટકાવ્યા હતા. તેમના હાથના સામાન ઉપરાંત ચેક-ઇન બેગ સામાનની તપાસ કરવામાં આવી હતી, એ દરમિયાન પાંચ બ્લેક બેલ્ટમાં છુપાવેલ 20 સફેદ કલરના પેકેટમાં 43.5 કિલો સોનું પેસ્ટ સ્વરૂપે મળી આવ્યું હતું.
મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તહેનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું લાવવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષણ ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. DRIના અધિકારીઓએ કાર્યવાહી કરી એ પહેલાં કોઈકે એરપોર્ટના ટોઇલેટ સુધી પહોંચાડેલું સોનું પણ પાછળથી પકડી પાડ્યું હતું. પેસ્ટ સ્વરૂપમાં 4.67 કિલો સોનું વધુ મળી આવ્યું હતું. સુરત એરપોર્ટના ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમ (ટોઇલેટ)માં ત્યજી દેવાયેલું સોનું મળી આવ્યું હતું, જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું. ત્રણ મુસાફરો પાસેથી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી.
42 કિલોથી વધુ સોનુ શુદ્ધતાની દૃષ્ટિએ 24 કેરેટ કેટેગરીનું મળ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત 25.26 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આરોપી વ્યક્તિઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં અને તેમની ભૂમિકાના આધારે એક કસ્ટમ અધિકારી અને 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટના અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણી શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે DRI દ્વારા ચારેય આરોપીઓ મોહમદ સાકીબ મુસ્તાક અહેમદ આતસબાજીવાલા (ઉં.વ.35), ઉવેશ ઈમ્તિયાઝ શેખ (ઉં.વ.31), યાસિર મોહમદ ઈલ્યાસ શેખ (ઉં.વ.35), પરાગ કુમાર ધીરજલાલ દવે (ઉં.વ.46)ને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય આરોપીઓને DRI લઈને જતી રહી હતી. મળતી માહિતી પ્રમાણે આજે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે.