IDT દ્વારા ફેશન શોના માધ્યમથી પહેલી વખત AI થકી ડિઝાઇન કરેલા ગારમેન્ટસ્ રજૂ કરાયા
સરસાણા પ્લેટિનમ હોલ ખાતે વાર્ષિક ફેશન શો ફેશેનોવા સાથે જ સુરતના ટેકસટાઇલ અને ગારમેન્ટસ્ ઇન્ડસ્ટ્રી પર AI ની અસર પર કોન્કલેવ પણ યોજાઈ
સુરત: આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે. ત્યારે ટેકસટાઇલ અને ગારમેન્ટસ્ ઇન્ડસ્ટ્રી પણ હવે આનાથી અલિપ્ત રહી શકે નહીં. ત્યારે ભવિષ્યને ભાખીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા પહેલી વખત જ AI આધારિત ડિઝાઇન કરાયેલા ગારમેન્ટસ્ સાથે વાર્ષિક ફેશન શો ફેશેનોવા -2023 અને AI ની સુરતના ટેકસટાઇલ અને
ગારમેન્ટસ્ ઇન્ડસ્ટ્રી પર અસર વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઇડીટીના અનુપમ ગોયલ અને અંકિતા ગોયલે જણાવ્યું હતું કે રવિવારની સાંજે સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં યોજાયેલા ફેશન શોમાં IDT ના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ બ્રાઇડલ થીમ પર અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ડિઝાઇન તૈયાર કરી બનાવેલા ગારમેન્ટસ્ રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યારે આ કલેક્શન પહેરીને મોડલોએ રેમ્પ વોક કર્યું તો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
આ પહેલા સાંજે 4 થી 6 વાગ્યા સુધી સુરતની ટેકસટાઇલ અને ગારમેન્ટસ્ ઇન્ડસ્ટ્રી પર AI ની અસર પર કોન્કલેવ યોજાઈ હતી. જેમાં આ ક્ષેત્રના નિષ્ણાંતો એઆઇના માધ્યમથી કેવી રીતે ઝડપી અને એક સાથે વધુ ડિઝાઇન કોન્સેપ્ટ મેળવી શકાય છે અને સમય ઘટાડા સાથે જ પ્રોડોક્ટીવિટી કેવી રીતે ઝડપી બને શકે છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સુરતમાં ટેકસટાઇલ અને ગારમેન્ટસ્ ઇન્ડસ્ટ્રી ને કેવી રીતે આનો લાભ થશે અને ઇન્ડસ્ટ્રી ને ગ્રો કરવામાં કેટલી મદદ મળી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.
આ અવસરે કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોશ, ભારત સરકારના કાપડ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાજીવ સક્સેના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મંત્રી દર્શના જરદોશ અને રાજીવ સક્સેના IDT ના પ્રયાસોની સરાહના કરવા સાથે આ પ્રકારના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.