ચાંદીપુરા વાયરસ સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી

ચાંદીપુરા વાયરસ સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી
સુરત જિલ્લાના ગામોમાં ૫% મેલેથિઓન ડસ્ટિંગની કામગીરી કરી
ચાંદીપુરા વાયરસ સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ શરૂ કરી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુરત જિલ્લાના ગામોમાં ૫% મેલેથિઓન ડસ્ટિંગની કામગીરી કરાઇ છે. જિલ્લાના કુલ ૫૧૭ ગામોમાં ૧૮,૬૬૭ કાચા (માટીના) તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દીવાલો અને તિરાડોમાં તેમજ ૧૩૯ આંગણવાડી અને ૭૧ શાળાઓમાં મેલેથીઓન(૫%) પાઉડરનું ડસ્ટિંગ કરાયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ.બી.પટેલના માર્ગદર્શન અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. કૌશિક મહેતાના સુપરવિઝન હેઠળ જિલ્લાના તમામ તાલુકાના તા.હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, આર.બી.એસ.કે. ડોક્ટરો તથા આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા વાયરલ એન્કેકેફ્લાઇટીસ (ચાંદીપુરા) વાયરસ ન ફેલાય તે માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સેન્ડ ફ્લાય નામક માખીથી ફેલાતા વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે ચાંદીપુરા રોગના લક્ષણો છે. બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તરત જ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા, ગંભીર લક્ષણોના કિસ્સામાં મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.