લેપ્ટોસ્પાયરોસીસને નાથવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આગોતરા પગલાઓ

- લેપ્ટોસ્પાયરોસીસને નાથવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આગોતરા પગલાઓ
- સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસ રોગ નિયંત્રણ માટે ૮૫૭ આરોગ્ય ટીમ દ્વારા રૂબરૂ દવા ગળાવાની કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ
રોગથી બચવા ખુલ્લા પગે ખેતર કે પાણીમાં ન જવું ,તાવ આવે તાત્કાલિક નજીકના દવાખાનામાં સારવાર લેવાનો અનુરોધ
ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી પુરજોશમાંદક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ખાસ કરીને લેપ્ટોસ્પાયરોસીસ જેવા જીવલેણ રોગનું પ્રમાણ જોવા મળે છે. જે ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં જોવા મળે છે. લેપટોસ્પાયરોસીસ લેપટોસ્પાયરા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેના લક્ષણો ઠંડી લાગીને તાવ આવવો, માથાના આગળના ભાગમાં સખત દુખાવો થવો, સ્નાયુઓનો દુખાવો થવો, પેશાબ ઓછો થવો, ખાંસી થવી, કમળો જેવા લક્ષણો જોવા મળે છે.
સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા એપીડેમિક મેડિકલ ઓફિસર ડો. કૌશિક મહેતાના આયોજન અને નિરીક્ષણ હેઠળ સુરત જિલ્લામાં તા ૧૫/૦૬/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધીમાં કુલ ૮૫૭ આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરી સર્વેલન્સ કામગીરી કરી લોકોને આરોગ્ય શિક્ષણ દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તા.૨૩/૦૭/૨૦૨૪થી સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસ માટે જોખમી એવા ૧૦ ગામોમાં લેપ્ટોસ્પાયરોસીસ જેવા જીવલેણ રોગના અટકાયતી પગલારૂપે પશુપાલન તેમજ ખેતીવાડી સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને આશાબહેનો દ્વારા ઘરે ઘરે જઇને લેપ્ટો કીમો પ્રોફાઇલેક્સીસ અંતર્ગત ૮ અઠવાડીયા સુધી કેપ. ડોક્સીસાઇક્લીન રૂબરૂ ગળાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
ચોમાસાની ૠતુ દરમ્યાન રોગચાળા નિયંત્રણ કામગીરી અંતર્ગત જિલ્લા કક્ષાએ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરત ખાતે ૨૪×૭ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. જેનો સંપર્ક નંબર ૬૩૫૭૧ ૮૬૫૩૯ છે. આ રોગથી બચવા માટે લોકોને ખુલ્લા પગે ખેતર કે પાણીમાં ન જવા, તેમજ તાવ આવે તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં સારવાર લેવા તથા સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે