પ્રાદેશિક સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’

આગામી ‘વિશ્વ યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના યોગદિનની ઉજવણી સુરતમાં થશે

સુરતથી જિલ્લા કલેક્ટર અને વિભાગીય અધિકારીઓ બેઠકમાં જોડાયા

સુરત :  આગામી ૨૧ જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની રાજ્યવ્યાપી ઉજવણીના અનુસંધાને યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લા સેવા સદન ખાતેથી ઈ.કલેક્ટરશ્રી બી.કે.વસાવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. શ્રી સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લાના અધિકારીઓને આવનાર યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે વિગતવાર એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યુ હતું.

ઈ-માધ્યમથી ગૃહ મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘યોગ દિવસ’ની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો અને અધિકારીઓને સંકલન સાધી ચોકકસ આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના યોગદિનની ઉજવણી સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર.મોલ પાસેના વાય જંક્શન ઉપર થશે, સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી શ્રી સવારે ૬.૩૦ કલાકે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે, જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે, ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો, સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

મંત્રીશ્રીએ ‘ક્વોન્ટિટીની જગ્યાએ ક્વોલિટી’ને કેન્દ્રમાં રાખી શહેરની સામાજિક સંસ્થાઓ તેમજ યોગ અને તેની સાથે જોડાયેલા લોકોને વિશેષરૂપે યોગ દિનની ઉજવણીમાં સામેલ કરવા જણાવ્યું હતું. તેમણે યોગાભ્યાસના પ્રચારને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના સાર્થક પ્રયત્નો હાથ ધરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં ગૃહમંત્રીશ્રીએ યોગ દિવસના અનુસંધાને આગામી તા.૧૫ થી ૨૦ દરમિયાન થનારા લોકજાગૃતિના કાર્યક્રમો માટે ન્યૂનતમ ખર્ચમાં મહત્તમ વિસ્તાર આવરી લઈ ટૂંકા સમયગાળાના યોગ કાર્યક્રમો યોજવાની ભલામણ કરી હતી. જેથી લોકોમાં ‘યોગ દિન’ની વિશેષ ઉજવણીનો ઉત્સાહ જળવાઈ રહે. આ સાથે જ તેમણે તમામ વિભાગોને સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરી બહોળા પ્રમાણમાં યોગ દિનનો પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

બેઠકમાં પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડી.આર.દરજી,  વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button