દિવ્યાંગ બાળકો પાસેથી દીવડાઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરતા સુરતવાસીઓ

દિવ્યાંગ બાળકોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સુરત કાર્યાલય પાસે દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત ૬,૭૫,૦૦૦ દીવડાઓનું વેચાણ
આ દિવાળી બની સુરતના દિવ્યાંગ બાળકો માટે ‘ખુશીઓની દિવાળી’
સુરત:શુક્રવાર: ‘વોકલ ફોર લોકલ’ નો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગજનોનું આર્થિક સશક્તિકરણ થાય એવા ઉમદા ઉદ્દેશ સાથે ગૃહરાજ્ય મંત્રી અને મજૂરાના ધારાસભ્યશ્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી તેમના સુરત, સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર આજે તા.૧૦મીએ દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોને સુરતવાસીઓએ ઉત્સાહજનક પ્રતિસાદ આપતા એક જ દિવસમાં ૬,૭૫,૦૦૦ દીવડાઓ ખરીદ્યા હતા. પોલીસ કમિશનર શ્રી અજય તોમરે પણ દીવડાઓ ખરીદી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ માટીના દીવડાઓ પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું હતું. દિવ્યાંગ બાળઉદ્યમીઓ દ્વારા બનેલા માટીના દીવડાઓમાં તેમની મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય થયો હતો. ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા દિવ્યાંગજનોના પ્રોત્સાહન આપવા માટે શહેરીજનોને તેમની પાસેથી દીવડાઓ ખરીદવા અપીલ કરી હતી. જેને સુરતવાસીઓએ દિલથી વધાવી લીધી હતી, ત્યારે આજે દિવ્યાંગ બાળકોના ચહેરા પર ‘ખુશીઓની દિવાળી’ જોવા મળી હતી.