લવ જેહાદ કરનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી
- લવ જેહાદ કરનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી
- લવ જેહાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
- “પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે”
- “સલીમ સુરેશ બનીને-સુરેશ સલીમ બનીને પ્રેમ કરશે તો છોડીશું નહીં”
મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ પ્રેમના નામને બદનામ કરનારાઓને સાખી લેવામાં નહીં આવે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરબીમાં ST બસ સ્ટેશનના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાઓને ખુલ્લી ચેતવણી આપી.
પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જણાવ્યું કે, ‘જેમના મનમાં નાની-મોટી માનવતા બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે, દુનિયાના કોઈ ખુણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે. કોઈ સલીમ સુરેશ -ના નામે અને સુરેશ સલીમ ના નામે પ્રેમ કરીને મારી ભોળીભાળી દીકરીને ફસાવશે, તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું. જો કોઇ “સલીમ સુરેશ બનીને અને સુરેશ સલીમ બનીને ભોળી દીકરીઓને ફાસાવશે તો છોડવામાં આવશે નહીં.’
આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે. તેમણે પોલીસને સૂચના આપી છે કે, આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી.