ગુજરાત

પતંગના માધ્યમથી ડોનેટ લાઈફે શહેરીજનોને અંગદાનનો સંદેશો પાઠવ્યો

પતંગના માધ્યમથી ડોનેટ લાઈફે શહેરીજનોને અંગદાનનો સંદેશો પાઠવ્યો

“તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર છે”

પુણેના પ્રકાશે ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મળેલ સુરતના સ્વ. ધાર્મિકના હાથ વડે પતંગ ચગાવ્યા, થ્રી વ્હીલ વ્હીકલ ચલાવી સૌને અચંભિત કરી દીધા

૧૯ વર્ષ પહેલા ૧૨ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ સુરતથી ગુજરાતનું સૌ પ્રથમ ઈન્ટરસિટી કેડેવરિક કિડનીનું દાન કરનાર સ્વ. જગદીશભાઈ શાહના પરિવારજનોને સન્માનિત કરાયાં

સુરત: ગુજરાતમાં ૨૦ વર્ષથી અંગદાન માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો અંગદાનનું મહત્વ સમજે, વધુને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય તથા જે પરિવારોએ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે ડોનેટ લાઈફ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ”નું આયોજન સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા પોસ્ટરો દ્વારા અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. શહેરીજનોને અંગદાનના સંદેશા લખેલા પતંગનું પણ વિતરણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પતંગોત્સવમાં ઓક્ટોબર, ૨૦૨૧માં સુરતના ધાર્મિક કાકડિયા નામના ૧૪ વર્ષના બાળકના બંને હાથ, પુણેના ૩૧ વર્ષીય યુવાન પ્રકાશમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમાં પ્રકાશ તેના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યો હતો. સ્વ. ધાર્મિક કાકડીયાના પરિવારજનોએ જ્યારે પ્રકાશની સાથે મળીને પતંગ ઉડાવી હતી, ત્યારે તેઓ જાણે પ્રકાશની સાથે નહી પણ ધાર્મિક સાથે જ પતંગ ઉડાવી રહ્યાં હોય તેવી લાગણીમાં ભાવવિભોર થઇ ગયાં હતાં.

પુણેના પ્રકાશની સાથે શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ હાથ મેળવ્યા હતા ત્યારે દરેક વ્યક્તિ રોમાંચિત થઇ ગયા હતા અને એક અલગ પ્રકારનો આનંદ દરેકના ચહેરા ઉપર હતો. પ્રકાશે ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મળેલ સ્વ. ધાર્મિકના હાથ વડે પતંગ ચગાવ્યા હતા.

તેમજ ધાર્મિકના હાથથી જ થ્રી વ્હીલ વ્હીકલ પણ ચલાવી ઉપસ્થિત દરેક વ્યક્તિઓને અચંબિત કરી દીધા હતા. આ ક્ષણને ઉપસ્થિત દરેક વ્યક્તિઓએ તાળીઓથી વધાવી લીધી હતી. હાથ ટ્રાન્સપ્લાન્ટના પહેલા પરાવલંબી જીવન જીવતો પ્રકાશ હવે સ્વાવલંબી જીવન જીવી રહ્યો છે.

૧૯ વર્ષ પહેલા, આજના જ દિવસે એટલે કે ૧૨ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ સુરતથી ગુજરાતનું સૌ પ્રથમ ઈન્ટરસિટી કેડેવરિક કિડનીનું દાન કરનાર સ્વ. જગદીશભાઈ શાહના પરિવારજનોનું સન્માન ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને મેયર દક્ષેશ માવાણીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૦૬માં સુરત શહેરમાં પ્રથમ બ્રેઇનડેડ જાહેર કરનાર સુરતના જાણીતા ન્યુરોસર્જન ડો. અશોક પટેલનું પણ સન્માન પૂર્વ ટેક્ષટાઈલ અને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પતંગોત્સવમાં ૫૦ થી વધુ શહેરીજનોએ અંગદાનના સંકલ્પ માટેનું ફોર્મ ભરી અંગદાનનો સંકલ્પ લીધો હતો.

આ પતંગોત્સવમાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્યો વિનુભાઈ મોરડિયા અને સંદીપભાઈ દેસાઈ, મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, પૂર્વ ટેક્ષટાઈલ અને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોત, કલેકટર ડૉ. સૌરભ પારધી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, ઉપપ્રમુખ નિખિલભાઈ મદ્રાસી, ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંકના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર, દિશા ફાઉન્ડેશનના સંસ્થાપક દિનેશભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિતેશભાઈ પટેલ, ડેપ્યુટી કમિશનર હેતલબેન પટેલ, સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી, સાર્વજનિક એજયુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહ, શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટટ શ્રી પ્રદીપભાઈ સિંધી, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ સ્કૂલો-કોલેજોના NCC અને NSSના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈફ સંસ્થાને અંગદાનના ક્ષેત્રમાં તેઓએ કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button