તબીબી પુરાવાના અભાવે અદાલતે પોક્સો કેસના આરોપીને છોડી દીધો
તબીબી પુરાવાના અભાવે અદાલતે પોક્સો કેસના આરોપીને છોડી દીધો
કથિત પ્રેમી દ્વારા ગર્ભવતી બનેલી સગીર છોકરીના કેસમાં આરોપીને શંકાનો લાભ મળ્યો
સુરત : ગર્ભમાં રહેલા બાળકનું ડીએનએ ન થઈ શકતા તેનો લાભ આરોપીને મળ્યો હતો. નાનપુરાની સગીર યુવતીને બિહારી યુવાન લગ્નની લાલચે ગોવા ભગાડી ગયો હતો અને જયારે આરોપી પકડાયો ત્યારે સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો.
આ કેસની વિગત એવી છે કે સુરતમાં નાનપુરા વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી સગીર યુવતી (ઉ. વ.૧૭) ને રાજુસીંગ રાજપૂત (હાલ ઉ.વ.૨૮, રહે. બિહાર ) નામનો યુવાન તારીખ ૨૧/૦૭/૨૦૧૨ ના રોજ લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બન્ને એક વર્ષે ગોવાથી મળ્યા હતા. જે-તે સમયે સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ પણ હતો. જેથી પોલીસે પોક્સો એક્ટ અને બળાત્કાર સહિતની કલમો હેઠળ રાજુસીંગની ધરપ કડ કરી અત્રેની કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.
દરમિયાન બાળકને જન્મ આપે તે પહેલા જ ભોગ બનનાર સંગીરાનું અકસ્માતે દાઝી જતા મોત નીપજયું હતું. જેથી કોર્ટમાં તેણીની જુબાની થઈ શકી ન હતી. બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ સગીરાની તપાસ કરનાર નવી સિવિલ હોસ્પીટલના તબીબની ઉલટ તપાસમાં એ વાત રેકર્ડ પર લાવી હતી કે ગર્ભમાં રહેલું બાળક કોનું છે તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડે અને આ કેસમાં ગર્ભમાં રહેલા બાળકનું ડીએનએ થયું નથી. જે વાતને ધ્યાને લઈને સેશન્સ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.