સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ધંધાદારી પ્રવૃત્તિ માટે ભાડે અપાઇ

સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ધંધાદારી પ્રવૃત્તિ માટે ભાડે અપાઇ
8 વર્ષ અગાઉ વડાપ્રધાન મોદીના રૂા. 4.31 કરોડમાં હરાજી થયેલા શૂટને સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં મુકાયો હતો ત્યાં હવે વિવિધ કલાને પ્રોત્સાહન આપતા પ્રદર્શનને બદલે બ્રાન્ડેડ ગારમેન્ટસ, શૂઝ જેવી વસ્તુઓના 80 ટકા ડિસ્કાઉન્ટ સાથેનો સેલ એક્સપો લાગતાં વિવાદ થયો છે. આર્ટ ગેલેરીને આર્ટ તથા અન્ય પ્રદર્શન માટે ભાડેથી ફાળવી શકાય તેવો પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ થયો હતો
જો કે, આ ઠરાવનો દૂરુપયોગ કરીને ધંધાદારી પ્રવૃતિ માટે ફાળવી દેવાયો છે. 23થી 25 જૂન સુધી આર્ટ ગેલેરીને ભાડેથી ફાળવવામાં આવી છે. પાલિકાની તિજોરીના તળિયાં દેખાઇ રહ્યા છે. હાલમાં પ્લોટો ધંધાદારી પ્રવૃત્તિ માટે ફાળવી પાલિકાને વર્ષો દહાડે કરોડોની આવક તો થઇ રહી છે, પરંતુ હવે આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી પણ ધંધાદારી પ્રવૃત્તિ માટે ફાળવી દેવાઇ એ પાલિકાની આર્થિક કંગાળ સ્થિતિ સાબિત કરે છે એવી પાલિકા વતૃળમાં જ ચર્ચા ઊઠી છે
આર્ટ અને અન્ય પ્રદર્શન માટે આર્ટ ગેલેરી ભાડે આપવાનો સામાન્ય સભામાં ઠરાવ થયો છે. એટલે ભાડેથી ફાળવ્યો છે. ભૂતકાળમાં એક્સપો માટે એકવાર ભાડેથી આર્ટ ગેલેરી ફાળવી હતી. > ભામિની મહીડા, ચીફ ક્યુરેટર, સાયન્સ સેન્ટર