શિક્ષા

અદાણી યુનિવર્સિટીમાં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

અદાણી યુનિવર્સિટીમાં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
પ્રતિષ્ઠિત IEEE ચેપ્ટરનો પ્રારંભ, ISROના નિષ્ણાતોએ શીખવ્યા હાઈ-ટેક પાઠ
અમદાવાદ: આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વ 5G થી આગળ વધીને 6G નેટવર્ક તરફ મીટ માંડી રહ્યું છે, ત્યારે અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટીએ એન્જિનિયરિંગ ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા IEEE ના સહયોગથી રેડિયો ફ્રિકવન્સી (RF) અને એન્ટેના ડિઝાઇન પર હાઈ-ટેક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કેમ્પસમાં પ્રતિષ્ઠિત ‘IEEE સ્ટુડન્ટ ચેપ્ટર’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અદાણી યુનિવર્સિટીનો આ કાર્યક્રમ માત્ર એક સેમિનાર ન બની રહેતા ટેકનિકલ ક્રાંતિનું માધ્યમ બન્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ISRO (સ્પેસ એપ્લિકેશન સેન્ટર) ના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. વિજય કુમાર સિંઘે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “અવકાશ વિજ્ઞાન અને સેટેલાઈટ કોમ્યુનિકેશનમાં એન્ટેના ડિઝાઇન એ પાયાની જરૂરિયાત છે.” તેમણે સ્પેસ ટેકનોલોજીમાં આવી રહેલા પરિવર્તનો વિશે રસપ્રદ વિગતો રજૂ કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
એકેડેમિક લર્નિંગને ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો સાથે જોડતા આ સેમિનારમાં એક્સપર્ટ આલોક કુમાર સિંઘલે વિદ્યાર્થીઓને ‘ANSYS HFSS’ જેવા અત્યાધુનિક સોફ્ટવેર પર એન્ટેના સિમ્યુલેશનનું જીવંત પ્રદર્શન આપ્યું હતું. જ્યારે પ્રો. ધવલ પૂજારાએ એન્ટેના ડિઝાઇનના સિદ્ધાંતો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ હવે લેબમાં જ વાસ્તવિક એન્ટેના મોડલ્સ તૈયાર કરી શકશે, જે તેમને વૈશ્વિક ટેક-કંપનીઓમાં કરિયર બનાવવા માટે સજ્જ કરશે.
નિષ્ણાતો દ્વારા ટેકનિકલ માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિદ્યાર્થીઓને માત્ર થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ પીરસવામાં આવ્યું હતું. સેમિનારના મહત્વ અંગે વાત કરતા ડૉ. કૃપાલી ડોન્ડાએ જણાવ્યું હતું કે, IEEE સ્ટુડન્ટ ચેપ્ટરની સ્થાપનાથી અદાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના રિસર્ચ પેપર્સ અને ગ્લોબલ નેટવર્કિંગનો સીધો લાભ મળશે. આ પગલું આગામી સમયમાં ટેલિકોમ અને ડિફેન્સ સેક્ટરમાં કૌશલ્યબદ્ધ માનવબળ પૂરું પાડવામાં નિર્ણાયક સાબિત થશે.
IEEE સ્ટુડન્ટ ચેપ્ટરના પ્રારંભથી હવે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો સાથે જોડાવાની અને વૈશ્વિક સ્તરના રિસર્ચ પેપર્સમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળશે. આ કાર્યક્રમ દ્વારા અદાણી યુનિવર્સિટીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે વિદ્યાર્થીઓને ભવિષ્યના ટેકનિકલ પડકારો માટે સજ્જ કરવા કટિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button