સ્પોર્ટ્સ

રમતગમત એ સ્વાસ્થ્યની ચાવી છે

7 મે, “વર્લ્ડ એથ્લેટિક્સ ડે”

રમતગમત એ સ્વાસ્થ્યની ચાવી છે

વિશ્વમાં 7મી મેના રોજ “વર્લ્ડ એથ્લેટિક્સ ડે” ઉજવાય છે. 2003માં ‘વર્લ્ડવાઇડ ન્યૂબી એથલેટિક ફેડરેશન’ દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલની પાછળ ઘેલા થયા છે. એક સમય હતો જયારે બાળકો રસ્તા પર કબડ્ડી, ખો, ડબ્બા આઈસ પાઈસ, ગીલ્લી ડંડા, લંગડી જેવી રમતો રમતા હતા અને આજે આ જ રમતો છે પણ રસ્તા પર બાળકોની ભીડ નથી. એવું નથી કે આ બધી રમતો બાળકો આજે રમતા નથી, પરંતુ આ સિવાય પણ ઘણી રમતો તેઓ રમે છે પણ મોબાઈલમાં રમે છે એ મોટો પ્રશ્ન છે. શારીરિક શ્રમ, પરસેવો પાડવો, દોડાદોડી કરવી એ તો જાણે આજકાલનાં બાળકોને ગમતું જ નથી. શેરીની બહાર ચોકમાં જવું હોય તો પણ તે માતા પિતાને વાહનમાં મૂકી જવા કહે છે એટલું પણ તે ચાલી શકતા નથી. અહીં મોટો પ્રશ્નાર્થ એ છે કે માતા પિતા પણ બાળકોની જીદ સામે ઝુકે છે અને તેમને શારીરિક શ્રમ કરતા અટકાવે છે. કેટલાક તો વળી પોતાના બાળકને ક્રિકેટ, ફૂટબોલ, ટેનીસ કે કબડ્ડી રમીને બાળક શું કરી લેશે એમ સમજીને બાળક પર ભણતરનો ખોટો ભાર નાખે છે.

લોકોનાં જીવનમાંથી ખેલ નીકળી ગયા છે તેના કારણે ખેલદીલીની ભાવના પણ તે શીખી કે સમજી શકતા નથી. એક બાજુ નીરજ ચોપરા, પીવી સિંધુ, રવિ કુમાર દહિયા, મીરાબાઈ ચાનુ જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સ દેશ માટે ઓલોમ્પિકમાં જઇને વિવિધ મેડલ્સ લાવી રહ્યા છે તો બીજું બાજુ નવી પેઢીને રમતગમતમાં કોઈ રસ પડતો નથી અને કેટલાંક બાળકો એવા હોય છે કે જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગતા હોય છે, પરંતુ તેમને માતા પિતાનો સહકાર પ્રાપ્ત નથી થતો. આ દિશામાં લોકોએ ખરેખર જાગૃત થવું પડશે. સરકારે પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે નવી યોજનાઓ ઘડીને લોકોને જાગૃત કરવા રહ્યા. રમતગમત લોકોને તનથી જ નહીં મનથી પણ સ્વસ્થ રાખે છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સંપૂર્ણપણે જળવાય રહે છે. વર્તમાન સમયે મેદસ્વીતાને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે રમતગમતના માધ્યમથી આરોગ્ય અને તંદુરસ્તી વિશે લોકોમાં જાગૃતિ લાવવાની આ ચાવી છે. આ માટે કેટલાંક પ્રયાસો કરી શકાય જેવા કે શાળા અને કોલેજોમાં રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો કરવા અને રમતગમતનાં કાયમી લેક્ચર્સ ગોઠવવા, વિવિધ પ્રકારનાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતા કેમ્પસ સરકાર તેમજ સંસ્થાઓએ કરવા, જે બાળક આ ક્ષેત્રે આગળ વધવા માંગતું હોય તેને નાણાકીય સહાય મળી રહે તેવી યોજનાઓ ઘડવી જોઈએ જેથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને.રમતગમત એ સ્વાસ્થ્યની ચાવી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button