આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો, શ્રેષ્ઠ પશુપાલકો, ખેડૂતોને સન્માનિત કરાયા
તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ
માંડવી રિવરફ્રન્ટ પર સૂર્ય પુત્રી તાપી નદીના કાંઠે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિદ્ધ કર્યા છેઃ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ૧૦ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આદિવાસી સમુદાય અને મુખ્ય પ્રવાહના સમુદાય વચ્ચેના અંતર દુર કર્યું
નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઇ પટેલ
સુરતઃબુધવારઃ આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશ, અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા આદિજાતિ લોકો વિશ્વમાં મૂળ વસાહતીઓ તરીકે આગવી ઓળખ ધરાવે છે, ત્યારે આદિજાતિ બાંધવોની ગરવી પરંપરા, વેશભુષા, સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે તે માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રિવર ફ્રન્ટ પર સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વેળાએ આદિવાસીબંધુઓ પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઈને નૃત્ય ગાન, વાજિંત્રોની સુરાવલિઓ સાથે રંગેચંગે ઉજવણીમાં સામેલ થયા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઇ પટેલ જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયના એકીકૃત સામજિક-આર્થિક વિકાસના વિઝનને હાસંલ કરવા સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વિવિધ પહેલ સફળતા પુર્વક હાથ ધરી છે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ૧૦ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આદિવાસી સમુદાય અને મુખ્ય પ્રવાહના સમુદાય વચ્ચેના અંતરને દુર કર્યુ છે.આઝાદીની લડતમાં આદિવાસી બાંધવોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આદિવાસી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય તે માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આદિજાતિ વિસ્તારના લોકોને માળખાકીય સુવિધાઓ સહેલાઈથી મળી રહે તે આ સરકારની પ્રાથમિકતા છે.
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિદ્ધ કર્યા છે એનો સહર્ષ ઉલ્લેખ કરતા દંડકશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના સમગ્રત્તયા વિકાસનો અભિગમ અપનાવી ગુણવત્તાસભર શિક્ષણ, કૌશલ્યવર્ધન સાથે રોજગારી તથા આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો માટેના કામો ઠેર ઠેર દેખાઈ આવે છે. આદિવાસી બાળકો ભણી ગણીને ઉચ્ચ કારકિર્દી બનાવે અને અન્ય વિકસિત સમાજની હરોળમાં સ્થાન મેળવે તે માટે પોસ્ટ મેટ્રીક, પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિઓ, એકલવ્ય મોડેલ સ્કુલો, સમરસ છાત્રાલયો જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
શ્રી દંડકશ્રીએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આરોગ્ય, માર્ગ, સિંચાઈ માટે પાણી, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો ગુજરાતની વિકાસને વરેલી સરકારે પૂરી પાડી છે. આઝાદીની ચળવળમાં આદિવાસી સમાજ ઉજ્જવળ ઈતિહાસ ધરાવે છે.આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો, પ્રકૃતિ સાથે એક અનેરો સંબધ ધરાવતો સમાજ છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકારના આદિજાતિ વિકાસ વિભાગની અનેકવિધ યોજનાઓનો બહોળો લાભ લેવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લામાં આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે દંડકશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે આદિવાસી વિસ્તારના લાભાર્થીઓને સ્વરોજગારી(ડી.જે) સહાય યોજના,મિશન મંગલ યોજના,મંડપ સહાય યોજના,ડિઝલ એન્જીન મશીન સહાયના ચેકો અને મંજુરી પત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો, શ્રેષ્ઠ પશુપાલકો, ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત કમિશ્નરશ્રીમતી પુષ્પાબેન નિનામા,માંડવી ટ્રાયબલ સબ પ્લાન પ્રાયોજના વહિવટદારશ્રીમતી નીધિ સિવાચ(IAS), જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરતભાઇ કે.વસાવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીમતી ગીતાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હિનાબેન વસાવા, નગરપાલિકા પ્રમુખશ્રીમતી રેખાબેન વશી,નગરપાલિકા પુર્વ પ્રમુખશ્રી જગદીશભાઇ પારેખ,તાલુકા પંચાયતના પુર્વ સભ્યશ્રી દિનેશભાઇ પટેલ,અધ્યક્ષ સામાજીક ન્યાય સમિતિના શ્રી ગણેશભાઇ,અગ્રણીશ્રી ચંદુભાઇ સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.