શહીદોને શ્રધ્ધાંજલિ માટેનો ‘શિલાફલકમ’, માટીના દીવા સાથે સેલ્ફી, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, ૭૫ રોપાની અમૃત વાટિકા બનાવવી, વસુધા વંદન, વીરોને વંદન, ધ્વજારોહણ કરાયું
મહુવા તાલુકાના ભગવાનપુરા(વાંક) ગામથી ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના હસ્તે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો શુભારંભ
‘મારી માટી, મારો દેશ’ અભિયાન થકી ભારતના અમર હીરોનું સન્માન: ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા
સુરતઃબુધવારઃ માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા (વાંક) ગામેથી ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયાએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનારા નાયકોને સમર્પિત કરવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય તે માટે દેશમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશને આઝાદી અપાવવા માટે અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ત્યારે દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવાનો અમૂલ્ય અવસર છે. દેશની સુરક્ષા અને સલામતી કાજે અનેક વીર પુરુષોએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારતની ભૂમિ મા સમાન વંદનીય અને પૂજનીય ગણાય છે. ત્યારે આ અવસર માતૃવંદનાનો છે એટલે મારી માટી મારો દેશ અભિયાનમાં દરેકે જોડાઈને રાષ્ટ્રપ્રેમ જગાવવા અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેવાનું શ્રીઢોડીયાએ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ભગવાનપુરા (વાંક) ગામના અમૃત સરોવર ખાતે શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના, ગામના ૧૧ શહીદોના પરિવારોનું સાલ અને શ્રીફળ આપી સન્માન કર્યું હતું. અને વીર સ્મારકને વંદન કર્યા હતા. અંતે ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું.