શિક્ષા

ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જ ફાંફાં !

ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જ ફાંફાં !
અંગ્રેજી કરતાં માતૃભાષામાં નાપાસ થનારાની સંખ્યા વધુ

૨૦૨૨માં ૧૭.૮૫% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા જ્યારે અંગ્રેજીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૧૦.૭૮ હતી
શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક અથવા માતૃભાષામાં સૂચનાઓ આપવાને કેંદ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે એવામાં ગુજરાતમાં અલગ જ ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. પોતાની માતૃભાષામાં બાળકને કંઈપણ શીખવવાથી તેની કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખીલે છે તે વાત છેલ્લા બે વર્ષથી જાણે ખોટી પડતી દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી અંગ્રેજી કરતાં ગુજરાતી ભાષામાં નાપાસ થતાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. હાલમાં જ ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે જેમાં ૯૬,૨૮૭ વિદ્યાર્થીઓ ગુજરાતી (પ્રથમ ભાષા)માં નાપાસ થયા છે, જ્યારે અંગ્રેજી (દ્વિતીય ભાષા)માં નાપાસ થનારા વિદ્યાર્થીઓનો આંકડો ૯૫,૫૪૪ છે. મતલબ કે, બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા ૨.૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૩૫ ટકા ગુજરાતીમાં નાપાસ થયા છે. ૨૦૨૨માં ૧૭.૮૫% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા જ્યારે અંગ્રેજીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૧૦.૭૮ હતી. ભાષાકીય સ્થિતિ હવે બદલાતી જણાઈ રહી છે. પહેલા એવું બનતું કે મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પાસ થવામાં તકલીફ થતી હતી અને ગુજરાતીમાં સરળતાથી પાસ થઈ જતાં હતા. ભૂતકાળના પરિણામોનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, અંગ્રેજીમાં ગુજરાતી કરતાં ૧૦-૧૫ ટકા વિદ્યાર્થીઓ વધુ નાપાસ થતાં હતા. જાકે, હવે હાલની બદલાયેલી પરિÂસ્થતિએ શિક્ષણવિદોમાં ચિંતા જગાવી છે. તેમનું માનવું છે કે, ગુજરાતી ભાષા પર ઘટતું ભારણ અને વિદ્યાર્થીઓ તેમજ વાલી દ્વારા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયને અપાતું વધુ મહત્વ આ સમસ્યા માટે જવાબદાર છે. નામ ના આપવાની શરતે શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું, વિદ્યાર્થીઓ મોટાભાગે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર વધુ ધ્યાન આપે છે અને માતૃભાષાને ખાસ મહત્વ આપતા નથી. તેમના મનમાં ભરાયેલી ખોટી ગ્રંથિને લીધે તેઓ ઇંગ્લિશની તૈયારીમાં વધુ સમય ફાળવે છે. બાળક પોતાની માતૃભાષામાં નાપાસ થઈ જ ના શકે તેવી ગેરમાન્યતાને લીધે ગુજરાતી ભાષા ભણવા પાછળ સમય પણ ઓછો ફાળવે છે. નિષ્ણાતોનું માનવું છે કે, વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી ભણવા પાછળ વધુ સમય આપે છે અને અજાણતાં જ ગુજરાતી ભાષાની અવગણના કરી નાખે છે. આ અવગણનાનું પરિણામ વિદ્યાર્થીઓના પરિણામમાં દેખાય છે. ઉપરાંત વાલીઓ પણ એમ માને છે કે, બાળકના કરિયર માટે ઇંગ્લિશ જરૂરી છે અને એટલે જ તેના પર વધુ ભાર આપે છે”, તેમ અન્ય એક અધિકારીએ જણાવ્યું. અંગ્રેજી ભાષાનું વળગણ એટલું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની ૫૫ સ્કૂલોમાં એડમિશન લેવા માટે પડાપડી થવા લાગી છે. આજકાલ સામાન્ય આવક ધરાવતું દંપતી પણ પોતાના બાળકને અંગ્રેજીમાં ભણાવવાનો આગ્રહ રાખે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button