સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ યોગાસનોથી બનાવી વિશાળ માનવ પ્રતિકૃતિ
*તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*
*સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ યોગાસનોથી બનાવી વિશાળ માનવ પ્રતિકૃતિ*
*યોગથી સ્વાસ્થ્ય જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાંનો બાળકોનો ઉમદા પ્રયાસ*
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને નિયમિત યોગાભ્યાસથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા વિવિધ યોગમુદ્રાઓથી વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ.શ્રી ધર્મવલ્લભ સ્વામી, શ્રી પ્રભુ સ્વામી અને શ્રી દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી યોગ જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.
‘યોગ ભગાવે રોગ’એ સૂત્ર સાર્થક થયું છે અને સ્વાસ્થ્યવર્ધક યોગ વૈશ્વિક સ્વીકૃતિ પામ્યો છે. યોગ વૈદિક દર્શનની છ પ્રણાલીઓમાંની એક છે. વર્ષોથી ઋષિઓ, સાધુ-સંતો, ધર્મ સુધી જ યોગવિદ્યા સીમિત હોવાની માન્યતા હતી, પરંતુ આજે યોગ સામાન્ય લોકોની દૈનિક જીવનશૈલીનો ભાગ બની ગયો છે, ત્યારે યોગાસનોથી માનવ સાંકળ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.
-૦૦-