સુરત જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઓલપાડ ખાતે કરવામાં આવશે
જિલ્લા વિકાસ અધિકારી બી. કે.વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈઃ
ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજારોહણ સંપન્ન થશેઃ
સુરતઃ શુક્રવારઃ સુરત જીલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ઓલપાડ ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામેની ગ્રાઉન્ડમાં કરવામાં આવશે.
૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઓલપાડ તાલુકા મથકે થનાર છે ત્યારે સુચારું આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી બી. કે.વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ઓલપાડ તાલુકાના હાથીસા રોડ પર આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામેના મેદાન ખાતે ઉજવણી થશે.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં શ્રી વસાવાએ જણાવ્યું હતું કે, ૧૫મી ઓગષ્ટના રોજ આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ થનાર છે ત્યારે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ત્રિરંગાને સલામી સાથે ધ્વજારોહણ સંપન્ન થશે. આ વેળા વધુમાં વધુ નાગરિકોને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી થાય તે માટે આયોજન ધડી કાઢવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં પોલીસ પરેડ, આમંત્રણ પત્રિકા, મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પીવાના પાણીની વ્યવસ્થા, સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું મંત્રીશ્રીના હસ્તે અધિકારી-કર્મચારી, રમતવીરોનું સન્માન કરવામાં આવશે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા, ઓલપાડ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.