કૃષિ

સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’

સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

આયુર્વેદ પ્રમાણે આમળા પરમ પિત્તશામક, ત્રિદોષશામક, મધુરવિપાકયુક્ત, સપ્તધાતુવર્ધક, શુક્રવર્ધક, વૃષ્યરસાયન, શ્રેષ્ઠ વયસ્થાપક, સદાપથ્ય, ચક્ષુષ્ય, કેશ્ય, હૃદ્ય, ગર્ભસ્થાપક અને સારક છે.
આમળાને સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, અમૃતા, બહુફુલા, સાધુફુલા, પંચરસા દિવ્યા વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. આમળામાં વિટામિન ‘સી’ પુષ્કળ માત્રામાં હોય છે. તે પિત્ત વિકાર, નેત્ર વિકાર, કેશવિકાર, ચર્મરોગ, અપચો, જીર્ણતાવ, ડાયાબિટીસ સહિતના રોગોનું દિવ્ય ઔષધ છે. પહાડોના ઢાળ ઉપર અને ઉષ્ણકટિબંધનાં જંગલોમાં આમળાનો સારી રીતેવિકાસ થાય છે. હલકી તેમ જ મધ્યમ જમીનમાં આમળા બહુ જ સારી રીતે વિકસિત થાય છે. ક્ષારીય જમીનમાં પણ તે ઉત્પાદન આપે છે. આ વૃક્ષ ફક્ત વરસાદ આધારિત પણ થઈ શકે છે. શિશિર ઋતુ એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરીમાં તેના પાન ખરી જાય છે અને વસંત ઋતુ એટલે કે, ફેબ્રુઆરી, માર્ચમાં નવાં પાન અને ફૂલોની બહાર આવે છે. શિશિર ઋતુમાં સમાધિસ્થ આમળા વસંત ઋતુમાં જ્યારે સમાધિમાંથી બહાર આવે છે, અને પોતાનું મનોહારી સ્વરૂપ બતાવે છે, ત્યારે તે જોવા લાયક હોય છે. ફૂલોની બહાર શરૂ થતાં જ દસ પંદર દિવસમાં ફળો બેસવાની ક્રિયા શરૂ થાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ફળ ધારણની ક્રિયા પછી આમળાનું વૃક્ષ ફરીથી ૧૦૦ દિવસ માટે સમાધિની અવસ્થામાં ચાલ્યું જાય છે.
જેવી ચોમાસાની શરૂઆત થાય છે તેવું જ તે પોતાની સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળીને ફળોની વૃદ્ધિ કરવાનું શરૂ કરી દે છે અને જ્યારે ચોમાસું પુરું થવા આવે છે, ત્યારે એટલે કે, ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં ફળો પાકીને ચોમાસાને ભેટ ચડાવવા માટે તૈયાર થઈ જાય છે. આમળાના વૃક્ષમાં એક વધારાની વિશેષતા જોવા મળે છે અને તે છે, દુષ્કાળમાં પણ તે સુકાતું નથી, મરતું નથી અને ચોમાસું આવતાં જ જીવંત થઈ જાય છે. આમળાને તમારે એકલા પાકના રૂપમાં લેવાના નથી. પરંતુ દેશી આંબા અથવા આંબલીની સાથે આંતરપાકના રૂપમાં લેવાના છે.
આમળા ગરમી અને ઠંડી બંને સહન કરે છે. પરંતુ, નાના છોડવાઓને તડકો અને સખત ઠંડીથી બચાવવા જરૂરી છે. તેના માટે આમળાનો છોડ વાવ્યા પછી તેનાથી બે ફૂટના અંતરે ચારે બાજુ ગોળાકારમાં તુવેર અને બાજરાંના બીજ લગાવવાના છે.

આમળાની જાતો અને વાવેતર:

આણંદ-૧, આણંદ-૨, કૃષ્ણ, કંચન જેવી આમળાની જાતો છે. આમળાનું વાવેતર બીજ વાવીને, ભેટ કલમ અથવા મૃદુ કાષ્ઠ કલમ (soft wood grafting) દ્વારા થાય છે. ઉત્તર ભારતમાં મોટાભાગે શિલ્ડ પદ્ધતિથી આંબા લગાવીને કલમ તૈયાર કરે છે અને પછી કલમને ચોક્કસ સ્થાન ઉપર લગાવે છે. આ પદ્ધતિથી ૭૦-૮૦% સફળતા મળે છે. બીજ માટે આમળાના ઝાડમાંથી પરિપક્વ આમળા એકત્રિત કરો, ઉપરનો ભાગ હટાવીને બીજને સુકાવો. દરેક ગોટલીમાં સામાન્ય રીતે છ બીજ હોય છે. જો તમે તડકામાં આમળાને સુકવો છો, ત્યારે તેઓ સુકાઈ જાય છે, અને તેઓ આપોઆપ વિભક્ત થઈ જાય છે, અને તેમાંથી બીજ આપોઆપ નીકળી આવે છે. આ બીજને ચાળણી પર ઘસીને સાફ કરો અને કપડાની થેલીમાં રાખો. અઠવાડિયામાં એકવાર આ બીજને તડકામાં સુકવતા રહેવું જોઈએ.
૨૪ ફૂટ x ૨૪ ફૂટના અંતરે આમળાને લગાવો.દરેક ચાર આમળાની વચ્ચે સીતાફળ, પપૈયા અથવા મીઠા લીમડાનો એક છોડ વાવો. દરેક બે આમળા અને દરેક આમળા અને સીતાફળ, પપૈયા, મીઠા લીમડા વચ્ચે એક સરગવો વાવવા માટે વચ્ચે ૧.૫ ફૂટ ઊંડો, ૧.૫ ફૂટ પહોળો, ૧.૫ ફૂટ લાંબો ખાડો ખાડો ખોદો. અહીંની માટીના ચાર ભાગ, બે ભાગ ચાળીને રાખેલું છાણિયું ખાતર, એક ભાગ ઘનજીવામૃત ભેળવીને મિશ્રણ તૈયાર રાખો. આ સાથે સીતાફળ, પપૈયા, મીઠા લીમડા, સરગવો અને એરંડાના બીજ લાવીને રાખો.
રૂટસ્ટોકની છાલ ઉપર જમીનની સપાટીથી એક ફૂટની ઊંચાઈએ લંબચોરસ કેદ બનાવો. આંખ જેટલી સાઈઝની છાલ કાઢીને બરાબર ત્યાં આંખ લગાવો. પાછળથી તેને પોલીથિન દ્વારા બાંધો. જો આ આંખ ૨૦-૨૫ દિવસમાં લીલી થઈ જાય તો સમજવું કે, કલમ સફળ છે. તે પછી, જ્યાં રૂટસ્ટોક પર આંખ લગાવવામાં આવી છે, તે આંખની ઉપરના રૂટસ્ટોકના આગળના ભાગને કાપી નાખો, જેથી આંખમાંથી નવો અંકુર ઝડપથી બહાર આવી શકે.
વાવેતર કર્યા પછી, વરસાદની ઋતુમાં, બગીચામાં ઊભેલા દરેક છોડની પાસે થોડું થોડું મહિનામાં એક કે બે વાર જીવામૃત આપો. વરસાદી ઋતુ પછી સિંચાઈના પાણી સાથે મહિનામાં એક કે બે વાર પ્રતિ એકર ૨૦૦—૪૦૦ લિટર જીવામૃત આપો. ફળ પાકે ત્યાં સુધી જીવામૃત આપવું. જો તમારી પાસે દેશી ગાય અથવા બળદના છાણની માત્રા વધુ હોય તો છોડ માટે ઘનજીવામૃત બનાવો અને તેને છોડવાઓ પાસે નાખતા રહો. તેનાથી તમને વિશેષ લાભ થશે.
કલમ અને બીજ રોપ્યા પછી બે મહિના સુધી પ્રતિ એકર ૧૦૦ લિટર પાણીમાં પ લિટર જીવામૃત ભેળવી છંટકાવ કરો. પછી ફરી બે મહિના સુધી ૧૦ લિટર જીવામૃત ૧૫૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. પછીથી એકર દીઠ ૨૦૦ લિટર પાણીમાં ૨૦ લિટર જીવામૃત ભેળવીને ફળો આવે ત્યાં સુધી છંટકાવ કરતા રહો.
આમળાને બિનસિંચાઈ એટલે કે, સિંચાઈ વિના ચાલે છે, માત્ર વરસાદ પર નિર્ભર વૃક્ષ છે, તેને આચ્છાદન ખૂબ જરૂરી છે. સરગવો, ચોળા જેવા કઠોળ વર્ગીય આંતરપાક પર્યાપ્ત કાષ્ટ આચ્છાદન આપશે. તેમજ આ કાષ્ટ આચ્છાદનની વચ્ચે એક કાણું કરો અને તેમાં કાકડી, કારેલા, કોળું, તરબૂચ વગેરેનાં બીજ વાવતા રહો. નીચે કાષ્ટ આચ્છાદન અને ઉપર સજીવ આચ્છાદનની સાથે સાથે જીવામૃત ભળવાથી અસંખ્ય બેક્ટેરિયા અને અળસિયાંઓ પેદા થશે. તે બધાં મળીને આમળા અને આંતર પાકના મૂળ પાસે પૂરતા ખોરાકનો સંગ્રહ કરશે.
બીજામૃત અને જીવામૃત તૈયાર કરીને રાખો. નર્સરીમાં રોપા તૈયાર કરવાને જે જગ્યાએ આમળાનું વૃક્ષ વાવવાનું છે, તે જ જગ્યાએ બીજને સીધું વાવી દો. પાછળથી ઊગી નીકળેલ રૂટ સ્ટોક સાથે કલમ બાંધો. તે ખૂબ સરળ છે, અને લાભ પણ વધુ છે. આ રીતે મુખ્ય મૂળ અને ગૌણ મૂળ જમીનની અંદર ઊંડે સુધી પાણીના સ્રોત તરફ જાય છે, જેના કારણે દુષ્કાળમાં સિંચાઈ વિના પણ આપણને ઉત્પાદન મળે છે. પાણીની શોધમાં મૂળિયા ઊંડાં ઉતરી ગયાં પછી આમળાનાં ઝાડ વાવાઝોડામાં ઉખડી ન જાય તે માટે મજબૂત આધાર મળે છે. કલમ માટે રૂટસ્ટોક (પઠ્ઠો) ઓછામાં ઓછો એક વર્ષ જૂનો હોવો જોઈએ. જે આમળાના ઝાડ પર ફળ પુષ્કળ હોય અને વૃક્ષ રોગગ્રસ્ત ન હોય, તે વૃક્ષને બીજ માટે પસંદ કરો. તમારી પસંદગીની જાતોની સાથે સાથે તે જ સમયે, ૫ થી ૧૦% દેશી આમળાનું વાવેતર કરવું જરૂરી છે. આ દેશી આમળાના વૃક્ષો પર કલમ ન કરો. આંખો લગાવવા માટેની ડાળીઓ ઓછામાં ઓછી છ મહિનાની હોય તેનો ઉપયોગ થાય છે. જે ડાળીની આંખો કાઢવી હોય તે ડાળીને લઈને તેની પર આંખની આસપાસ તીક્ષ્ણ બ્લેડ વડે ૨.૫ સે.મી. લાંબો અને ૧ સે.મી. પહોળો લંબચોરસ છેદ બનાવીને, તે આંખ ડાળીમાંથી કાઢી લો.
આમળા અને આંતરપાકની ૬-૬ ફૂટની હરોળસી તદ્ધિ પહોળા અને ૧ ફૂટ ઊંડા ચાસ બનાવો અને આ ચાસમાં જે પણ કાષ્ટ આચ્છાદન ઉપલબ્ધ થાય તેને નાખતા રહો. આચ્છાદનને કારણે વરસાદી પાણીનું બાષ્પીભવન થશે નહીં અને ચાસની મદદથી વરસાદનું પાણી જમીનની અંદર સંગ્રહિત થશે, અને મૂળને કાયમ માટે મળતું રહેશે.
આમળાના વૃક્ષ ઉપર વધુ ફળ લાગવાના લીધે તેના વજનથી ડાળીઓ તૂટે છે, તેથી તેને મજબૂત કરવા માટે એક વિશિષ્ટ આકાર આપવો જરૂરી છે. જમીનની સપાટીથી ૭૫ સે.મી.ની ઊંચાઈ સુધી એક જ થડ રાખો અને તેની ઉપર ત્રણ ચાર મજબૂત ચારે તરફ ફેલાવાવાળી ડાળીઓ રહેવા દો.
આમળાના વૃક્ષ ઉપર સામાન્ય રીતે કીટક તેમ જ રોગો આવતા નથી. તેમ છતાં જો કદાચ આવે તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, સૂંઠાસ્ત્ર અથવા છાશનો છંટકાવ કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button